Western Times News

Gujarati News

ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત દ્રારા ‘ગોલ્ડફેસ્ટ’નું આયોજન

મિત્રતાના ૫૦ યાદગાર વર્ષોની ઉજવણી નિમિત્તે ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત દ્રારા ગોલ્ડફેસ્ટનું ૧૦થી ૧૪ જાન્યુઆરી૨૦૨૬ સુધી આયોજન-શિઝુઓકા અને હામામાત્સુ ગોલ્ડફેસ્ટમાં સહભાગી થશે

પતંગસંગીત અને માચા આકર્ષણનું કેન્દ્ર-મુંબઈ સ્થિત જાપાનના કોન્સ્યુલેટ જનરલના કલ્ચરલ અફેર્સના કોન્સ્યુલ શ્રી મેગુમી શિમાદા દ્રારા એએમએ ખાતે ભવ્ય જાપાનીઝ પતંગ પ્રદર્શન “પતંગ-ઓ-દોરી” નું ઉદ્ઘાટન કરાયું  

ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત (IJFA)એ પાંચ દાયકાથી વધુ સમયથી અનન્ય ઓળખ અને સદ્ભાવનાનો આનંદ માણ્યો છે, જે ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને આગળ ધપાવવામાં અગ્રેસર છે. ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાત દ્રારા ગર્વભેર તેની સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે ૧૯૭૫માં તેની સ્થાપનાથી લઇ અત્યાર સુધીના ૫૦ યાદગાર વર્ષોનું પ્રતિક અને ભારત-જાપાનીઝ સંબંધોનું વાઇબ્રન્ટ બોન્ડિંગ છે.

ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાતની સુવર્ણ જયંતિ (૫૦ વર્ષ), હામામાત્સુ-અમદાવાદ સિસ્ટર સિટી સંબંધની પ્રથમ વર્ષગાંઠ, અને શિઝુઓકા પ્રીફેક્ચર-ગુજરાત સિસ્ટર સ્ટેટ ભાગીદારીની પ્રથમ વર્ષગાંઠની સ્મૃતિમાં, ૧૦થી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન “કેમ છે – કોનીચીવા” થીમ હેઠળ “ગોલ્ડફેસ્ટ”ની આ ઉજવણીમાં સાંસ્કૃતિક ઉત્સવોની શ્રેણી યોજાશે.

આ મહત્વપૂર્ણ અવસરે, ઉજવણીની સત્તાવાર શરૂઆત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે, મુખ્ય અતિથિ સુશ્રી મેગુમી શિમાદા (કોન્સ્યુલ ફોર કલ્ચરલ અફેર્સ, કોન્સ્યુલેટ-જનરલ ઓફ જાપાન, મુંબઈ) દ્રારા “પતંગ-ઓ-દોરી” નામના પ્રથમ પ્રકારના જાપાનીઝ પતંગ પ્રદર્શનના ઉદ્ઘાટન સાથે કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ પ્રસંગે, અમદાવાદ, ગુજરાતમાં જાપાનના માનદ કોન્સ્યુલ શ્રી મૂકેશ પટેલ અને જાપાનના અન્ય મહાનુભાવો પણ ઉદ્ઘાટન સમારોહમાં જોડાયા હતાં.

“પતંગ-ઓ-દોરી” પ્રદર્શનની વિશેષતાઓ –આ પ્રદર્શન જાપાનના પતંગ પાટનગર હામામાત્સુ અને ભારતીય પતંગ પરંપરાના હૃદય સમાન અમદાવાદ વચ્ચે એક અનોખો સાંસ્કૃતિક સેતુ પ્રદર્શિત કરે છે.

હામામાત્સુ શહેર દ્રારા ભેટમાં આપવામાં આવેલા અત્યંત રંગબેરંગી પતંગો અને પરંપરાગત ફાનસનું અનોખું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શન હામામાત્સુમાં પતંગ ઉડાડવાના ઇતિહાસ અને તેના વિકાસને અમદાવાદની પ્રતિષ્ઠિત ઉત્તરાયણ પરંપરાઓ સાથે કલાત્મક રીતે જોડે છે.

પ્રદર્શનમાં “ધ સ્કાય વ્હેર ટુ સ્ટોરીઝ બિગિન” (એ આકાશ જ્યાં બે વાર્તાઓ શરૂ થાય છે) જેવી વાર્તાઓ રજૂ કરવામાં આવી છે, જે દર્શાવે છે કે કેવી રીતે બંને શહેરો પતંગોના માધ્યમથી સામુદાયિક ભાવના, કૌટુંબિક સંબંધો અને જીવનના ઉત્સવોને ઉજવે છે.

મુંબઈ સ્થિત જાપાનના કોન્સ્યુલેટ જનરલના કલ્ચરલ અફેર્સના કોન્સ્યુલ શ્રી મેગુમી શિમાદાએ જણાવ્યું હતું કે “ખંડો અને સ્મૃતિઓની પાર, હામામાત્સુ અને અમદાવાદે ભૌગોલિક નિકટતાથી પર એક અતૂટ બંધન બનાવ્યું છે. આ શહેરો ભલે ભૂગોળ, ભાષા અને સંસ્કૃતિથી અલગ હોય, પરંતુ તેઓ સમાન સપનાઓ અને આકાંક્ષાઓ દ્રારા જોડાયેલા છે.”

જાપાનના માનદ કોન્સ્યુલ શ્રી મૂકેશ પટેલે જણાવ્યું હતું કે “પરંપરાગત લોક હસ્તકલામાંથી બનેલા પતંગોના વિવિધ આકારો પેઢીઓની રમતિયાળ વૃત્તિને જાગૃત કરે છે. જાપાન અને ભારત બંનેમાં, પતંગો માત્ર કાગળ અને દોરી નથી; તેઓ લોકોની ભાવના, પરિવારો વચ્ચેના જોડાણ અને જીવનની સામુદાયિક ઉજવણીનું પ્રતિક છે.”

પ્રદર્શનની તારીખરવિવાર૧૧ જાન્યુઆરી અને સોમવાર૧૨ જાન્યુઆરી ૨૦૨૬.

પ્રદર્શનનો સમય: સવારે ૧૧:૦૦થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણો:

આ ઉજવણીની થીમ “કેમ છો – કોન્નીચીવા” છે, જે “ઉગતા સૂર્યના દેશ” (જાપાન)ના અનોખા સાંસ્કૃતિક અને સ્વાદિષ્ટ અનુભવો પ્રદાન કરે છે. આ ઉત્સવ મુખ્ય ત્રણ સાંસ્કૃતિક સ્તંભો પર આધારિત છે:

૧. પતંગ-ઓ-દોરી: જાપાનીઝ પતંગો અને સ્થાનિક પરંપરાઓને પ્રદર્શિત કરતો એક અનોખો પતંગોત્સવ, જેનું શીર્ષક “અમદાવાદી પતંગ સાથે આકાશમાં નૃત્ય” (Dancing in the Sky with Amdavadi Patang) છે.

૨. સંગીત સિમ્ફની (નિહોન-નો-ઓંગાકુ): સંગીત વર્કશોપ, પરિસંવાદ અને ભારત-જાપાનના સંગીતનો સમન્વય ધરાવતો એક ભવ્ય સંગીત કાર્યક્રમ.

૩. ઓ-ચા ઉત્સવ: “શિઝુઓકાની હરિયાળી ટેકરીઓનો સ્વાદ” (Festive Flavours from the Green Hills of Shizuoka) વિષય અંતર્ગત ગ્રીન ટી અને માચા વર્કશોપ દ્રારા  જાપાનીઝ ખાણી-પીણીની અનોખી સફર.

ગોલ્ડફેસ્ટ ૨૦૨૬ના કાર્યક્રમોની વિગત

ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જયંતિ) ઉજવણી અંતર્ગત યોજવામાં આવનારા કાર્યક્રમોની ઝલક :

તારીખ સમય કાર્યક્રમ સ્થળ
શનિવાર, ૧૦ જાન્યુ. ૨૦૨૬ સવારે ૧૦:૦૦ અને ૧૧:૩૦ ‘ડિસ્કવર ધ જોય ઓફ મ્યુઝિક’ – શાળાના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ એએમએ
શનિવાર, ૧૦  જાન્યુ. ૨૦૨૬ બપોરે ૩:૦૦ વાગ્યે ઓ-ચા ઉત્સવ – ગ્રીન ટી પર ક્યુલિનરી (પાકકળા) વર્કશોપ હયાત રિજન્સી
શનિવાર, ૧૦ જાન્યુ. ૨૦૨૬ સાંજે ૪:૦૦ વાગ્યે પતંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન – ‘પતંગ-ઓ-દોરી’ એએમએ
શનિવાર, ૧૦ જાન્યુ. ૨૦૨૬ સાંજે ૬:૦૦ વાગ્યે ‘નવીનતા અને સર્જનાત્મકતા માટે સંગીત’ વિષય પર પરિસંવાદ (સિમ્પોઝીયમ) એએમએ
રવિવાર, ૧૧ જાન્યુ. ૨૦૨૬ સવારે ૧૦:૦૦ અને ૧૧:૩૦ ‘ડિસ્કવર ધ જોય ઓફ મ્યુઝિક’ – શાળાના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ એએમએ
રવિવાર, ૧૧ જાન્યુ. ૨૦૨૬ સવારે ૧૧:૦૦થી
સાંજે ૭:૦૦
પતંગ પ્રદર્શન ચાલુ રહેશે એએમએ
રવિવાર, ૧૧ જાન્યુ. ૨૦૨૬ બપોરે ૩:૦૦ વાગ્યે ઓ-ચા ઉત્સવ – ગ્રીન ટી પર ક્યુલિનરી (પાકકળા) વર્કશોપ હયાત રિજન્સી
સોમવાર, ૧૨ જાન્યુ. ૨૦૨૬ સવારે ૧૧:૦૦થી સાંજે ૭:૦૦ પતંગ પ્રદર્શન ચાલુ રહેશે એએમએ
મંગળવાર, ૧૩  જાન્યુ. ૨૦૨૬ બપોરે ૩:૩૦થી સાંજે ૫:૦૦ ગોલ્ડન જ્યુબિલી ઉજવણી અને સ્વાગત સમારોહ એએમએ
મંગળવાર, ૧૩ જાન્યુ. ૨૦૨૬ સાંજે ૬:૦૦થી સાંજે  ૮:૦૦ સંગીત સિમ્ફની – મ્યુઝિક કોન્સર્ટ (સંગીત સંધ્યા) એએમએ
બુધવાર, ૧૪ જાન્યુ. ૨૦૨૬ સવારે ૧૦:૦૦  વાગ્યે જાપાનીઝ પતંગ ઉડાડવાનું નિદર્શન – ‘પતંગ-ઓ-દોરી’ શ્રેયસ ફાઉન્ડેશન

આઈજેએફએ ગુજરાત અને યામાહા કોર્પોરેશનહામામાત્સુ સિટી દ્રારા શાળાના વિદ્યાર્થીઓ માટે “ડિસ્કવર ધ જોય ઓફ મ્યુઝિક” (સંગીતના આનંદની ખોજ) વર્કશોપ અને નવીનતા અને સર્જનાત્મકતા માટે સંગીત‘ વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું

આઈજેએફએ ગુજરાત, યામાહા કોર્પોરેશન જાપાન અને યામાહા મ્યુઝિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ “ડિસ્કવર ધ જોય ઓફ મ્યુઝિક”નું આયોજન કરતા ગૌરવ અનુભવે છે. શાળાના વિદ્યાર્થીઓ માટે સંગીતની આ ઈમર્સીવ વર્કશોપની શ્રેણીમાં આજે ચારસો કરતાં વધુ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતાં અને રવિવારે પણ (૧૧ જાન્યુઆરીના રોજ) સવારે ૧૦:૦૦થી ૧૧:૦૦ અને ૧૧:૩૦થી ૧૨:૩૦ વાગ્યા સુધી આ વર્કશોપ યોજાશે.

આઈજેએફએ ગુજરાતના માનદ સેક્રેટરી શ્રી સંદીપ શાહે જણાવ્યું હતું કે , “જાપાનના હમામાત્સુ શહેર—જે વિશ્વભરમાં “સંગીતના શહેર” તરીકે જાણીતું છે અને યામાહાનું મૂળ ઘર છે—તેનાથી પ્રેરિત થઈને, આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક સીમાઓને જોડવાનો અને નવી પેઢીના સર્જનાત્મક વિચારકો તૈયાર કરવાનો છે. જાપાનીઝ સંગીત વારસાની ચોકસાઈ અને આધુનિક વાદ્યોની ગતિશીલ વિવિધતાના સમન્વય દ્રારા આ કાર્યક્રમ યુવા મનમાં નવીનતા અને સર્જનાત્મકતા જગાડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના વાદ્યોનો અનુભવ કરવાની તક મળશે, જેમાં પરંપરાગત ફ્લુટ (વાંસળી) કે રેકોર્ડરથી લઈને આધુનિક કીબોર્ડ્સ સુધીના વાદ્યોનો સમાવેશ થાય છે.

યામાહા મ્યુઝિક ઇન્ડિયાના પ્રવક્તા શ્રી યુજી ઓતાકે (ગ્રુપ મેનેજર, મ્યુઝિક પોપ્યુલરાઈઝેશન, યામાહા કોર્પોરેશન, જાપાન)એ જણાવ્યું હતું કે, “સંગીત એ એક સાર્વત્રિક ભાષા છે જે જ્ઞાનાત્મક વિકાસ અને સર્જનાત્મક સમસ્યા-નિવારણને પ્રોત્સાહન આપે છે. શ્રી રિસાકો તોકોરો (આસિસ્ટન્ટ મેનેજર, મ્યુઝિક પોપ્યુલરાઈઝેશન, યામાહા કોર્પોરેશન, જાપાન) એ જણાવ્યું હતું કે, “હામામાત્સુની ભાવનાને આપણા વિદ્યાર્થીઓ સુધી લાવીને, અમે તેમને તેમની ક્ષમતાઓને શોધવા અને તેમનો અનોખો અવાજ ઓળખવા માટેના સાધનો પૂરા પાડી રહ્યા છીએ.”

જાણીતા સંગીત માર્ગદર્શકો શ્રી પિનાકી ડે અને શ્રી દીપાંજન ચેટર્જી દ્રારા સંચાલિત આ વર્કશોપમાં ભાષાનો કોઈ અવરોધ રહેશે નહીં. વિદ્યાર્થીઓ સંગીત અને લયનો પરિચય: ધ્વનિના મુખ્ય પાયાને સમજવો; સંગીતની શક્તિ: સંગીત વિદ્યાર્થી જીવન અને બૌધ્ધિક વિકાસમાં કેવી રીતે ફાયદાકારક છે તે જાણવું; અને પ્રાયોગિક અનુભવ: વાસ્તવિક યામાહા વાદ્યો સાથે સીધો અનુભવ જેવી વિષયવસ્તુને આવરી લેવામાં આવે છે. ધોરણ ૪થી ૮ના વિદ્યાર્થીઓ (વય જૂથ: ૧૦થી ૧૫ વર્ષ) આ વર્કશોપમાં સહભાગી થઇ શકે છે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અથવા વાલીઓ સાથે પણ જોડાઈ શકે છે. રસ ધરાવતા સહભાગીઓ ૯૮૨૫૨૬૯૦૯૯ પર વોટ્સઅપ દ્રારા  નોંધણી કરાવી શકે છે.

આઈજેએફએ ગુજરાત અને યામાહા કોર્પોરેશનહામામાત્સુ સિટી દ્રારા ‘મ્યુઝીક ફોર ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી‘ વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું

આઈજેએફએ ગુજરાત દ્રારા યામાહા કોર્પોરેશન અને હામામાત્સુ સિટીના સહયોગમા ગોલ્ડફેસ્ટ ઉજવણીના ભાગરૂપે એએમએ ખાતે “મ્યુઝિક ફોર ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી” વિષય પર એક વિશેષ પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યું હતું.

જાપાનના માનદ કોન્સ્યુલ શ્રી મૂકેશ પટેલે જણાવ્યું હતું કે “આ પરિસંવાદ સર્જનાત્મક વિચારસરણી, બૌધ્ધિક ક્ષમતામાં વધારો અને આંતર-શાખાકીય અભિવ્યક્તિ માટે સંગીતની શક્તિને એક મહત્વપૂર્ણ ઉદ્દીપક તરીકે રજૂઆત કરે છે. જાપાન અને ભારત બંને દેશોના સંગીતકારો, શિક્ષકો, સંશોધકો અને ટેકનોલોજી નિષ્ણાતોને એક મંચ પર લાવીને, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સંગીતની પ્રેરણા કેવી રીતે ઝડપથી બદલાતી દુનિયામાં કલ્પનાશક્તિ અને નવીનતાને વેગ આપે છે એ શોધવાનો છે.”

આ પરિસંવાદમાં મુખ્ય અતિથિ શ્રી મેગુમી શિમાદા (કોન્સ્યુલ ફોર કલ્ચરલ અફેર્સ, કોન્સ્યુલેટ જનરલ ઓફ જાપાન, મુંબઈ) અને જાણીતા વક્તાઓ અને નિષ્ણાતો શ્રીમતી સુનૈના તોમર (સુપ્રતિષ્ઠિત અમલદાર અને ગુજરાતના પૂર્વ એસીએસ શિક્ષણ); શ્રી સુધીર ખાંડેકર (પીઢ ભારતીય સંગીતકાર, વાયોલિન વાદક અને સંગીત નિર્દેશક); શ્યામલ-સૌમિલ-આરતી મુનશી (ગુજરાતી સુગમ સંગીતના ખ્યાતનામ સંગીતકારો અને એમ્બેસેડર); શ્રી યુજી ઓતાકે (ગ્રુપ મેનેજર, મ્યુઝિક પોપ્યુલરાઈઝેશન, યામાહા કોર્પોરેશન, જાપાન); અને શ્રી રિસાકો તોકોરો (આસિસ્ટન્ટ મેનેજર, મ્યુઝિક પોપ્યુલરાઈઝેશન, યામાહા કોર્પોરેશન, જાપાન) જોડાયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.