Western Times News

Gujarati News

સાયબર ફ્રોડના કાળા નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવતા ૪ આરોપીઓ ઝડપાયા

સુરતમાં ૧૫૫૦ કરોડનું મહાકૌભાંડઃ નોટો ગણવાના ૪ મશીનોથી ગણાતા હતા પૈસા- ૨.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

આરોપીઓના ઘરે તપાસ કરતા ૨૮૯ ગ્રામ સોનું, ૧૦ કિલો ૮૦૦ ગ્રામ ચાંદી અને ૪૧૩.૩૭ કેરેટના રફ હીરા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

સુરત,  સુરત પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા ૧૫૫૦ કરોડ રૂપિયાના મસમોટા સાયબર ફ્રોડ કૌભાંડમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસના તાર છેક મહિધરપુરા હીરાબજાર સુધી પહોંચ્યા છે.

પોલીસે કાળા નાણાંને સફેદ કરવા અને તેને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવતા વધુ ૪ આરોપીઓને દબોચી લીધા છે. પોલીસને આરોપીઓની ઓફિસ અને ઘરેથી એટલી રોકડ મળી છે કે તે ગણવા માટે ૪ મશીનો કામે લગાડવા પડ્યા હતા. આ ઉપરાંત સોનું, ચાંદી અને હીરાનો જથ્થો પણ મળી આવ્યો છે.

સુરત પોલીસે બાતમીના આધારે ચિરાગ ઉર્ફે ચાર્લી સૂતરિયા અને પ્રવિણ ગઢિયા ની મહિધરપુરા સ્થિત ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી પોલીસને ?૧.૯૨ કરોડની રોકડ રકમ અને નોટો ગણવાના ૪ કાઉન્ટિંગ મશીન મળી આવ્યા હતા.

આ સાથે આરોપીઓના ઘરે તપાસ કરતા ૨૮૯ ગ્રામ સોનું, ૧૦ કિલો ૮૦૦ ગ્રામ ચાંદી અને ૪૧૩.૩૭ કેરેટના રફ હીરા પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મળીને પોલીસે ?૨,૬૦,૩૨,૨૧૪ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સિવાય અન્ય બે આરોપી અબ્દુલરબ ચામડીયા અને અમીત ચોક્સી ની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ ગેંગ સાયબર ફ્રોડના નાણાંને સિસ્ટમમાં ઘૂસાડવા માટે એક ખાસ પદ્ધતિ અપનાવતી હતી. મ્યુલ એકાઉન્ટ્‌સઃ ગેંગના સભ્યો સામાન્ય લોકોને લાલચ આપી તેમના નામે ડમી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. રોકડ ઉપાડઃ સાયબર ફ્રોડના પૈસા જ્યારે આ ખાતાઓમાં આવતા, ત્યારે આરોપી અબ્દુલરબ તે પૈસા અમીત ચોક્સીના ખાતામાંથી રોકડ સ્વરૂપે ઉપાડી લેતો હતો.

યુએસડીટી કન્વર્ઝનઃ આ રોકડ રકમ ચિરાગ સૂતરિયા અને પ્રવિણ ગઢિયાની ઓફિસે પહોંચતી હતી. ત્યાં ચિરાગ સૂતરિયા આ બ્લેક મનીને યુએસડીટી નામની ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી વિદેશમાં ટ્રાન્સફર કરી દેતો હતો, જેથી પૈસાનું પગેરું દબાવી શકાય.

તપાસમાં અત્યાર સુધીમાં ૧૬૪ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્‌સ મળી આવ્યા છે. આ એકાઉન્ટ્‌સના ટ્રાન્ઝેક્શનની તપાસ કરતા કુલ ૧૫૫૦ કરોડ રૂપિયાની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ૨૫ આરોપીઓની ધરપકડ કરી છે અને ૧.૫ લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. જેમાં બેંકના ૮ કર્મચારીઓ પણ સામેલ છે, જેમણે ખોટા ડોક્્યુમેન્ટ્‌સના આધારે ખાતા ખોલવામાં મદદ કરી હતી.

આ અંગે ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન અમને માહિતી મળી હતી કે ૧૬૪ ખાતા પૈકી અમુક ખાતામાં ૯૦ લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર થયા હતા. આ કડી અબ્દુલરબ અને અમીત ચોક્સી સુધી પહોંચી હતી. તેમની પૂછપરછમાં ચિરાગ સૂતરિયા અને પ્રવિણ ગઢિયાના નામ ખુલ્યા હતા, જેઓ હવાલા મારફતે આવેલા નાણાંને યુએસડીટી માં ફેરવવાનું કામ કરતા હતા. આ આંતરરાષ્ટ્રીય રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસ હજુ વધુ તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.