ટ્રાફિક બ્રિગેડ જવાનોનુ દૈનિક માનદ વેતન રૂ.૩૦૦થી વધારીને હવે રૂ.૪૫૦ આપવા મહત્વપૂર્ણ નિર્ણય
File Photo
રાજ્યના TRB જવાનો માટે સંવેદનશીલ નિર્ણય
રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
ટ્રાફિક બ્રિગેડ જવાનોના માનદ વેતનમાં વધારો આજથી અમલી: ૧૦ હજારથી વધુ TRB પરિવારને થશે લાભ
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનુ દૈનિક માનદ વેતન રૂ.૩૦૦થી વધારીને હવે રૂ.૪૫૦ આપવા આવશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ, જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોના કાર્યક્ષેત્રને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવા નિર્ણય લીધો છે.
ગૃહ વિભાગના વર્ષ ૨૦૧૮ ના ઠરાવ મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂ. ૩૦૦ ચૂકવવામાં આવતા હતા.રાજ્ય સરકાર દ્વારા આ વેતન વધારીને હવે પ્રતિદિન રૂ. ૪૫૦ કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજે ૧૦,૦૦૦ થી વધુ ટી.આર.બી. જવાનો અને તેમના પરિવારને મળશે. રાજ્ય સરકારના આ સંવેદનાત્મક અભિગમ સાથે લેવાયેલા નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે, જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે.
