Western Times News

Gujarati News

ગુજરાતમાં નવી નોકરીઓની તક આવશેઃ મારૂતીએ ગુજરાતમાં રૂ.૪,૯૬૦ કરોડની જમીન ખરીદીને મંજૂરી

ગુજરાતમાં ૧૦ લાખ યુનિટ સુધીની ક્ષમતા વધારવાનો પ્રસ્તાવ મૂકાયો છે-ગુજરાતના ખોરજ GIDCમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. 

(એજન્સી)ગાંધીનગર, દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી મોટું રોકાણ લાવી રહી છે. મારુતિ સુઝુકીના ડિરેક્ટર બોર્ડે ગુજરાતમાં રૂ.૪,૯૬૦ કરોડના જમીન સંપાદન પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

હાલ ગુજરાતમાં ચાલી રહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ, ગુજરાતમાં એક કાર કંપનીએ ગુજરાતમાં મોટું રોકાણની જાહેરાત કરી છે. દેશની ટોચની ઓટોમોબાઇલ ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાના ડિરેક્ટર બોર્ડે ગુજરાતમાં જમીન સંપાદન અને તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રૂ.૪,૯૬૦ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે અંતર્ગત ગુજરાતમાં ૧૦ લાખ યુનિટ સુધીની ક્ષમતા વધારવાનો પ્રસ્તાવ મૂકાયો છે.

મારુતિ સુઝુકીની ટીમે ગુજરાતમાં જમીન સંપાદન કરવાની યોજનાને લીલીઝંડી આપી દીધી છે. ભારતમાં કારની સતત વધી રહેલી ડિમાન્ડને પહોંચી વળવા માટે જાપાનની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીનો હેતુ ભારતમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતામાં ૧૦ લાખ યુનિટનો વધારો કરવાનો છે. આ માટેનો કુલ અંદાજિત ખર્ચ ૪૯૬૦ કરોડ રૂપિયા છે.

ગુજરાતના ખોરજ જીઆઈડીસીમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી જમીન સંપાદનની મંજૂરી મળી છે તેવી કંપનીના ડિરેક્ટર બોર્ડે સોમવારે યોજાયેલી બેઠકમાં જણાવ્યું.

ગત વર્ષે જાપાનની ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકી મોટર કોર્પોરેશને જાહેરાત કરી હતી કે, આગામી ૫ થી ૬ વર્ષમાં ભારતાં ૭૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ ઈન્વેસ્ટમેન્ટનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા, નવા કાર મોડલ લાવવામાં અને ભારતીય બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત વિશ્વનું ત્રીજુ સૌથી મોટું ઓટોમોબાઈલ સેક્ટર ધરાવે છે.

સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તોશીહિરો સુઝુકીએ ગત વર્ષે આ જાહેરાત ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં મારુતિની પહેલી ઈલેક્ટ્રીક એસયુવી ઈ વિટારા માર્કેટમાં લોન્ચ કરવાના સમયે કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઈલેક્ટ્રીક કારને લીલીઝંડી બતાવી હતી.

ઈ-વિટારાના લોÂન્ચંગ પ્રસંગે તોશીહિરોએ કહ્યું હતું કે, ભારતની સતત ગતિશીલતા અને વિકસિત ભારતની દિશામાં કંપની સમગ્ર રીતે પ્રતિબદ્ધ છે. ભારત સુઝુકીનું સૌથી મોટું કાર માર્કેટ છે. મારુતિ સુઝુકી દેશની નંબર ૧ કાર નિર્માતા કંપની છે. અત્યાર સુધી કંપનીએ ભારતમાં ૧ લાખ કરોડ ર રૂપિયાથી વધુનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે,

અને પોતાની વેલ્યૂ ચેનમાં ૧૧ લાખથી વધુ પ્રત્યક્ષ નોકરીઓ પેદા કરી છે. નવા રોકાણથી ગુજરાતમાં નવી નોકરીઓ પણ આવશે. વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગુજરાતમાં નવી નોકરીઓનું સતત સર્જન થઈ રહ્યુ છે, તેમાં હવે વધુ એક કંપનીના રોકાણની જાહેરાતથી નોકરીઓ આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.