Western Times News

Gujarati News

પતંગ બજારમાં અંતિમ તબક્કાની ઘરાકી, વેપારીઓમાં ખુશીનો માહોલ

દેશભક્તિની ભાવના ઉજાગર કરતી “ઓપરેશન સિંદુર” તેમજ રાષ્ટ્રભક્તિ સંબંધિત લખાણવાળી પતંગો લોકોને ખાસ પસંદ પડી રહી છે.

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં આકાશી યુદ્ધના પર્વ તરીકે ઓળખાતું ઉત્તરાયણ પર્વ નજીક આવતા પતંગ બજારોમાં ફરી રોનક જોવા મળી રહી છે. પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહેતા શહેરના વિવિધ પતંગ બજારોમાં અંતિમ તબક્કાની ભારે ઘરાકી નીકળતાં વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

ઉતરાયણ પૂર્વેના શરૂઆતના દિવસોમાં બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. પતંગો અને દોરીની વેચાણમાં અપેક્ષિત ઉછાળો ન આવતાં અનેક વેપારીઓમાં નિરાશા ફેલાઈ હતી. જોકે, જેમ જેમ પર્વ નજીક આવ્યું તેમ તેમ લોકોની ખરીદીમાં વધારો નોંધાયો છે અને અંતિમ દિવસોમાં ભારે ઘરાકી નીકળતા વેપારીઓના ચહેરા પર ફરી સ્મિત જોવા મળ્યું છે.

ગોધરા શહેરના રામસાગર તળાવ આસપાસ આવેલી પતંગ અને દોરીની દુકાનો પર મોડીરાત સુધી ખરીદદારોની ભીડ ઉમટી પડી હતી. નાના બાળકો, યુવાનો તેમજ પરિવાર સાથે આવેલા લોકો પતંગ, દોરી અને માંજાની ખરીદીમાં વ્યસ્ત નજરે પડ્‌યા હતા. ખાસ કરીને રંગબેરંગી પતંગો અને મજબૂત દોરી માટે ગ્રાહકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

પતંગ અને દોરીની સાથે સાથે પીપુડા, ચશ્મા તેમજ ટોપીની ખરીદી માટે પણ બજારમાં ભારે ધસારો જોવા મળ્યો છે. ઉતરાયણના માહોલને વધુ રંગીન બનાવતા વિવિધ ડિઝાઇનના પીપુડા અને સ્ટાઇલિશ ચશ્મા લોકોની પસંદ બની રહ્યા છે. આ વર્ષે બજારમાં વિવિધ જાતની પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. દેશભક્તિની ભાવના ઉજાગર કરતી “ઓપરેશન સિંદુર” તેમજ રાષ્ટ્રભક્તિ સંબંધિત લખાણવાળી પતંગો લોકોને ખાસ પસંદ પડી રહી છે.

દેશપ્રેમની લાગણી સાથે ઉતરાયણ ઉજવવા ઇચ્છતા લોકો આવા વિશેષ પતંગોની ખરીદી કરતા જોવા મળ્યા હતા. પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પતંગ અને દોરીની ખરીદી માટે ઉમટી પડ્‌યા હતા.

જેના કારણે શહેરના મુખ્ય બજારોમાં ભારે ચહલપહલ સાથે સાથે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગોધરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
કુલ મળીને, ઉતરાયણ પર્વની નજીકતા સાથે ગોધરા શહેરના પતંગ બજારોમાં ઉત્સાહ, રોનક અને વ્યાપારિક ગતિશીલતા ફરી જીવંત બની છે. અંતિમ તબક્કાની ઘરાકીથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે અને શહેરભરમાં ઉતરાયણના ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.