યુએસએ પોતાનાં હિતો માટે અન્ય દેશોનું ‘બહાનું’ ન બનાવવું જોઈએ: ચીન
નૂક, અમેરિકાએ ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો ઈરાદો વ્યક્ત કર્યાે છે, ત્યારથી યુરોપના દેશોમાં ચિંતા પ્રસરી છે. આ દરમિયાન અમેરિકાના કટ્ટર હરિફ ચીને સોમવારે જણાવ્યું હતું કે અમેરિકાએ ગ્રીનલૅન્ડમાં પોતાના હિતો સાધવા માટે અન્ય દેશોનું “બહાનું” બનાવવું ન જોઈએ. ઉલ્લેખનીય છે કે, રવિવારે એર ફોર્સ વન વિમાનમાં આપેલા નિવેદનમાં ટ્રમ્પે ફરી કહ્યું હતું કે જો અમેરિકા ગ્રીનલૅન્ડ “નહીં લે” તો રશિયા અથવા ચીન લઈ લેશે.
તેમણે જણાવ્યું હતું કે તેઓ આ વિસ્તાર માટે “સોદો કરવાનું વધુ પસંદ કરશે”, પરંતુ “એક રીતે કે બીજા રીતે, ગ્રીનલૅન્ડ તો અમેરિકા પાસે આવશે જ.” સોમવારે બેઈજિંગમાં જ્યારે પૂછવામાં આવ્યું કે ચીન અને રશિયા કબજો ન કરે તે માટે અમેરિકાએ ગ્રીનલૅન્ડ પર કબજો કરવો જરૂરી હોવાનું વોશિંગ્ટન કહી રહ્યું છે, ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જવાબ આપ્યો કે “આર્કટિકમાં ચીનની પ્રવૃત્તિઓ શાંતિ, સ્થિરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર છે.”
ડેનમાર્કની વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસને ચેતવણી આપી છે કે જો અમેરિકા ગ્રીનલૅન્ડ પર કબજો કરશે તો તે નાટોના અંત સમાન હશે. શુક્રવારે ગ્રીનલૅન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સન અને ત્યાંની સંસદની ચાર અન્ય પાર્ટીઓના નેતાઓએ સંયુક્ત નિવેદન જારી કરીને ફરીવાર કહ્યું હતું કે ગ્રીનલૅન્ડનું ભવિષ્ય ત્યાંની જનતા દ્વારા જ નક્કી થવું જોઈએ. આ પહેલાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ગ્રીનલૅન્ડ ખરીદવા માટે સોદો કરવા માંગે છે.
ગ્રીનલૅન્ડ નાટોના સાથી દેશ ડેનમાર્કનું અર્ધસ્વાયત્ત ક્ષેત્ર છે. ટ્રમ્પનું કહેવું છે કે જો અમેરિકા ગ્રીનલૅન્ડ હસ્તગત નહીં કરે તો રશિયા અથવા ચીન ત્યાં કબજો કરી શકે છે. આ નિવેદન પછી વોશિંગ્ટન, ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડ વચ્ચે તણાવ વધ્યો છે.SS1MS
