ચીને ફરીથી શક્સગામ ખીણ પ્રદેશ પોતાનો હોવાનો દાવો કર્યો
બેઇજિંગ, ભારતે નોંધાવેલા વાંધા-વિરોધના પરિપ્રેક્ષ્યમાં ચીને સોમવારે શક્સગામ વેલી પર પોતાનો પ્રાદેશિક દાવો ફરીથી દોહરાવ્યો અને કહ્યું કે આ વિસ્તારમાં ચાલી રહેલા ચીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ “તદ્દન બિનવિવાદાસ્પદ” છે.
ભારતે ગયા શુક્રવારે શક્સગામ વેલીમાં ચીન દ્વારા કરવામાં આવી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પ્રોજેક્ટ્સની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે આ વિસ્તાર ભારતીય ભૂમિ હોવાથી પોતાના હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાનો અધિકાર તેનો પોતાનો છે. પાકિસ્તાને ૧૯૬૩માં શક્સગામ વેલીમાં આવેલી ૫,૧૮૦ ચોરસ કિમી ભારતીય ભૂમિ ચીનને ગેરકાયદે સોંપી હતી.
આ વિસ્તાર પાકિસ્તાન દ્વારા ગેરકાયદે કબજામાં લેવામાં આવ્યો હતો.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધિર જયસ્વાલે જણાવ્યું હતું, “શક્સગામ વેલી ભારતીય ભૂમિ છે. ૧૯૬૩માં કરવામાં આવેલા કહેવાતા ચીન-પાકિસ્તાન ‘સીમા કરાર’ને અમે ક્યારેય માન્યતા આપી નથી.
અમે સતત એ વાત પર અડગ રહ્યા છીએ કે આ કરાર ગેરકાયદેસર અને અમાન્ય છે.”તેમણે ઉમેર્યું હતું, “અમે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને પણ માન્યતા આપતા નથી, કારણ કે તે ભારતીય ભૂમિમાંથી પસાર થાય છે, જે પાકિસ્તાનના બળજબરીપૂર્વક અને ગેરકાયદે કબજામાં છે.”
જયસ્વાલની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતાં ચીનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા માઓ નીંગે અહીં એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે, “સૌ પ્રથમ તો, તમે જે વિસ્તારની વાત કરો છો તે ચીનની ભૂમિનો ભાગ છે.”
તેમણે ભારતની ટીકા અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું, “ચીન પોતાની ભૂમિમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રવૃત્તિઓ કરે છે તે સંપૂર્ણપણે નિર્દાેષ અને નિર્વિવાદ છે.”માઓએ જણાવ્યું કે ચીન અને પાકિસ્તાને ૧૯૬૦ના દાયકાથી સીમા કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને બંને દેશો વચ્ચેની સીમા નક્કી કરી છે.
આ બંને સ્વતંત્ર દેશોના સાર્વભૌમ અધિકારો છે, તેમ તેમણે કહ્યું.ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંગે ભારતની ટીકા પર માઓએ બેઇજિંગનું પહેલાનું વલણ પુનરાવર્તિત કરતાં જણાવ્યું કે આ એક આર્થિક પહેલ છે, જેનો ઉદ્દેશ સ્થાનિક આર્થિક અને સામાજિક વિકાસ તેમજ લોકોની જીવનશૈલી સુધારવાનો છે.SS1MS
