સુરતમાં ધોળા દિવસે બિલ્ડરની હત્યા, ચાકુના ઘા ઝીંકી રહેંસી નાખ્યો
સુરત, સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે. કતારગામના ધનમોરા રોડ પર આવેલી જેકેપી નગર નામની સોસાયટીમાં ધોળા દિવસે બિલ્ડરની હત્યા કરાતા ફફડાટ ફેલાયો છે. જૂની અદાવતને પગલે આ ખૂની ખેલ ખેલાયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે આવેલી સર્જન હાઇટ્સમાં ૪૬ વર્ષીય વિપુલ રવજીભાઈ માંડાણી પરિવાર સાથે રહેતા હતા. આ સાથે જ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. બિલ્ડર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વિપુલભાઈ કતારગામ વિસ્તારમાં આવેલા જે.કે.પી. સોસાયટી પાસે કામ અર્થે ગયા હતા.
ઢળતી સાંજે બનેલી હત્યાની આ ઘટનામા ત્રણથી ચાર શખસો સાથે બોલાચાલી અને ઝપાઝપી બાદ વિપુલભાઈને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા.
લોહીલુહાણ હાલતમાં વિપુલભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.ડીસીપી રાઘવ જૈનનું કહેવું છે કે, ત્રણથી ચાર શખસો સાથે બોલાચાલી અને ઝપાઝપી બાદ વિપુલભાઈને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલ તપાસ ચાલુ છે. આ ઘટના અંગેની જાણ થતા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા.
પોસ્ટમોર્ટમ રૂમની બહાર પરિવારજનો દ્વારા હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની હઠ પકડી છે. સાથે જ હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે તે પ્રકારની પણ માંગ કરવામાં આવી છે. મૃતક બિલ્ડરનો ભાઈ પ્રકાશ મંડાણી કહે છે કે, હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ. જ્યા સુધી હત્યારા નહી પકડાય ત્યાં સુધી અમે મૃતદેહ નહી સ્વીકારીએ.
બીજી તરફ હોસ્પિટલમાં હાજર લોકોમાં ચાલતી ચર્ચા મુજબ હત્યા પાછળ ૪૬ વર્ષીય વિપુલ રવજીભાઈ માંડાણીની હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
ભૂતકાળમાં થયેલા કોઈ ઝઘડા અથવા અણબનાવનું વેર રાખવા માટે હુમલાખોરોએ આયોજનબદ્ધ રીતે આ હુમલો કર્યાે હોવાની શક્યતા છે. જોકે, ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. SS1MS
