ગુજરાતમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો ઝડપાયા તો ૩૦ દિવસ સુધી નહીં છૂટે
ગાંધીનગર, રાજ્યભરમાં ખનિજનું ગેરકાયદે અથવા ઓવરલોડ વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. એક વખત વાહન ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો નિર્ણય લેવાયો છે.
વર્ષે ૨૦૨૫ પૂર્ણ થતાની સાથે નવુ વર્ષ ૨૦૨૬ બેસતાં જ પહેલા અઠવાડિયામાં ખનિજ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી એમ હતું કે કોઈ ડમ્પર, ટ્રક અથવા ટ્રેક્ટર સહિતના વાહનો જો ગેરકાયદે ખનિજ વહન કે ઓવરલોડ માટે ઝડપાય તો તે વાહનો સરકારે નક્કી કરેલો દંડ ભરપાઈ કરીને છોડી મૂકાતા હતાં અને ફરીથી તે જ વાહનો ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિમાં સક્રિય થઇ જતા હતાં. હવે આ સિસ્ટમ બંધ કરી દેવા નિર્ણય લેવાયો છે.
સૂત્રોના જમાવ્યાનુસાર, જો કોઈ વાહન ગંભીર ગેરરીતિમાં ઝડપાશે તો તે વાહન ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી જપ્ત રહેશે. એક મહિના સુધી કોઈ સમાધાન થશે નહીં. નવા નિયમો મુજબ વાહન જપ્ત થયાના ૧૦ દિવસ સુધી કોઈ અરજી સ્વીકારવામાં પણ નહીં આવે. ૩૦ દિવસ સુધી વાહનની માલિકી, ઓળખ અને તેના ઈતિહાસની તપાસ થશે બાદમાં સમાધાન કરવું કે નહીં તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ખનિજ વિભાગમાં ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ વાહનો માટે બીજો પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વાહન વારંવાર આવી પ્રવૃત્તિ કરતા ઝડપાશે એટલે કે ત્રણ વખત પણ પકડાશે તો તે વાહન રાજ્યસાત (સરકાર હસ્તક) કરાશે.આ નિર્ણયથી ખનિજ વિભાગની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. તેની સાથે કાયદેસર ખનનની પ્રવૃત્તિ સાથે જોડાયેલાઓમાં ખુશી પણ વ્યક્ત થઈ છે.
મહત્ત્વની વાત એ છે કે આ નવા નિયમોથી ખાણ ખનિજનો સ્ટાફ હવે કોઈ વાહન સામે કાર્યવાહી કરતા ખચકાશે. આવા તત્ત્વો સાથે જોડાણ ધરાવતો સ્ટાફ હવે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે તેને પ્રોત્સાહન આપવામાં રહેશે.રાજ્ય સરકારના નવા પરિપત્રથી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
ખાસ કરીને દરેક વાહનોમાં જીપીએસ લગાવવાના નવા નિયમથી વાહન ક્યા છે તેમજ ક્યાં રોકાયું છે તે જાણી શકાશે. માત્ર એટલું જ નહીં પરંતુ નંબર પ્લેટથી વાહનનો ગુનાઈત ઇતિહાસ પણ જાણી શકાશે. સૂત્રોએ કહ્યું હતું કે ઓવરલોડ વાહનો પર અંકુશ આવતા રસ્તાઓને થતું નુકસાન અટકશે.SS1MS
