લોંગેવાલા અને જેસલમેર બાદ ‘બોર્ડર ૨’ હવે અમૃતસર પહોંચશે
મુંબઈ, ‘બોર્ડર ૨’ના મેકર્સ તેમનાં મ્યુઝિક લોન્ચને હવે નેશનલ ઇમોશનલ ઇવેન્ટનું સ્વરૂપ આપી રહ્યાં છે. લૌગેવાલા–જેસલમેરમાં ‘ઘર કબ આઓગે’ ગીતનાં ભવ્ય અને હૃદયસ્પર્શી લોંચ બાદ હવે ટીમ આગામી મેગા ઇવેન્ટ માટે અમૃતસરનાં ખસા વિસ્તારમાં પહોંચી રહી છે, જ્યાં ‘જાતે હુએ લમ્હોં – એ સોલફુલ રેન્ડિશન’ ગીતનું ભવ્ય લોન્ચ કરવામાં આવશે. સંદેસે આતે હૈ ગીતન નવા વર્ઝને અમુક કલાકોરમાં જ વ્યુઅરશિપના રેકોર્ડ તોડી નાંખ્યા હતા.
લૌગેવાલા પોસ્ટ પર બીએસએફના જવાનોની હાજરીમાં ‘ઘર કબ આઓગે’નું લોંચ માત્ર ગીત લોન્ચ નહીં, પરંતુ દેશથી દૂર ફરજ બજાવતા જવાનોને અર્પિત એક ભાવનાત્મક શ્રદ્ધાંજલિ બની ગયું હતું. ભારતીય સૈન્યનાં ઇતિહાસ સાથે જોડાયેલા આ સ્થળે યોજાયેલો કાર્યક્રમ દેશભરના દર્શકોનાં દિલને સ્પર્શી ગયો હતો અને ફિલ્મ પ્રમોશન માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યાે હતો.
હવે આ ફરી બધાનું ધ્યાન અમૃતસરના ખસા ખાતે યોજાનારા કાર્યક્રમ પર આકર્ષિત થશે એવો મેકર્સનો અંદાજ છે, જ્યાં અંદાજે ૧૦ થી ૧૨ હજાર સૈનિકો અને તેમના પરિવારજનોની હાજરીમાં ‘જાતે હુએ લમ્હોં’ ગીતનું લોન્ચ થશે.
આ ઇવેન્ટ લોહરીના ઉત્સવ સાથે પણ જોડાશે, જેનાથી સમગ્ર કાર્યક્રમને સાંસ્કૃતિક અને ઉત્સવનો રંગ આપવાનો મેકર્સનો ઇરાદો છે.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે આ કાર્યક્રમ પણ સંગીત, દેશભક્તિ અને સૈન્યની વાસ્તવિક હાજરીના અનોખા સંયોજન સાથે યોજાશે.
‘બોર્ડર ૨’ના મેકર્સ આ વખતે પરંપરાગત માર્કેટિંગ કરતાં ભાવનાત્મક જોડાણ પર વધુ ભાર મૂકી રહ્યા છે અને દરેક નવા પ્રમોશનલ માઇલસ્ટોન સાથે ફિલ્મ માટેની ઉત્સુકતા સતત વધી રહી છે.અનુરાગ સિંહ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત થયેલી ‘બોર્ડર ૨’ એક એપિક વાર ફિલ્મ છે, જે ૧૯૯૭માં આવેલી જે.પી. દત્તાની ક્લાસિક ફિલ્મ ‘બોર્ડર’ની સીક્વલ છે. ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જે.પી. દત્તા અને નિધી દત્તા પ્રોડ્યુસ કરી રહ્યાં છે.
ફિલ્મમાં સન્ની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંજ, અહાન શેટ્ટી સાથે મોના સિંહ, સોનમ બાજવા, અન્યા સિંહ અને મેધા રાણા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. બહાદુરી, બલિદાન અને ભાઈચારા પર આધારિત આ ફિલ્મ યુદ્ધના ભવ્ય દ્રશ્યો સાથે વ્યક્તિગત માનવીય કહાણીને સંતુલિત રીતે રજુ કરવાની તૈયારીમાં છે.‘બોર્ડર ૨’ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રિપબ્લિક ડે વીકએન્ડને ધ્યાનમાં રાખીને રિલીઝ થવાની છે.SS1MS
