ટેલિકોમ કંપનીઓ પર સુપ્રીમ લાલઘૂમઃ આ દેશમાં કાયદા જેવુ છે કે નહી, શું કોર્ટ બંધ કરી દઈએ,
નવી દિલ્હી, સરકારની બાકી રકમ ચુકવવામાં અખાડા કરી રહેલી ટેલિકોમ કંપનીઓની સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે ટેલિકોમ કંપનીઓને આ રકમ ચુકવવા માટે 17 માર્ચ સુધીનો સમય આપ્યો છે. આ મામલાની સુનાવણીમાં કોર્ટે વોડાફોન આઈડિયા અને એરટેલને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, જો 17 માર્ચ સુધીમાં બાકી રકમ નહી ચુકવો તો તે અદાલતની અવમાનના ગણાશે.
આ પહેલા કોર્ટે વોડાફોન આઈડીયા અને એરટેલને 92000 કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ આપી ચુક્યુ છે. આ ચુકાદા પર પુન વિચાર કરવા માટે વોડાફોન આઈડીયા અને એરટેલ દ્વારા કોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે તો ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે, આ તો કોર્ટની અવહેલના જ છે.100 ટકા કોર્ટની અવહેલના કરવામાં આવી છે. શું સુપ્રીમ કોર્ટ હવે અમે બંધ કરી દઈએ, દેશમાં કોઈ કાયદા જેવુ રહ્યુ છે કે નહી?
પુન વિચારણા કરવાની અરજી ફગાવી દીધા બાદ હવે વોડાફોન આઈડિયાના અસ્તિત્વ પર નવેસરથી સંકટ સર્જાયુ છે. પહેલેથી જ આ કંપની પર 3.9 અબજ રૂપિયાનુ દેવુ છે અને હવે સ્પેક્ટ્રમની રકમ પેટે કોર્ટે વોડાફોન આઈડીયા અને એરટેલને કુલ 92000 કરોડ ચુકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટના ચુકાદા બાદ વોડાફોન આઈડીયાના શેરોમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કંપનીના વેલ્યુએશનમાં આ વર્ષે 27 ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે.