નિર્ભયા મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ આર.ભાનુમતી બેભાન થયા
નવી દિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ આર. ભાનુમતિ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ચેમ્બરમાં લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી. આ ઘટના બાદ નિર્ભયા કેસની સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી છે. હકીકતમાં, નિર્ભયા ગેંગરેપ કેસના દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવી દેવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમની અરજી પર સુનાવણી થઈ હતી અને કોર્ટે અરજી રદ કરી નાખી હતી. નિર્ણય લખવામાં આવી રહ્યો હતો ત્યારે જ જસ્ટિસ ભાનુમતિ બેભાન થઈ ગયા હતા. જોકે, થોડા સમયમાં તેઓ ભાનમાં આવી ગયા હતા. જે બાદમા જસ્ટિસ ભાનુમતિને ચેમ્બરમાં લાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને તાવ છે.
સૉલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાનુમતિએ દવા પણ લીધી હતી, પરંતુ સુનાવણી દરમિયાન તેમને તકલીફ પડી રહી હતી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે નિર્ભયાકાંડના ચારેય દોષિતોમાંથી એક વિનય શર્માની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્વારા તેની અરજી ફગાવી દેવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આજે કોર્ટે નિર્ણય સંભળાવતા વિનયની અરજી રદ કરી નાખી હતી. વિનયે પોતાની અરજીમાં માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. જોકે, કોર્ટે તમામ દલીલો રદ કરતા કહ્યું કે દોષીની માનસિક હાલત બિલકુલ સારી છે.