વડીલ વાત્સલ્ય સ્નેહ સાથે મનોદિવ્યાંગ શાળાનાં બાળકોને મીઠાઈ મુખ્યમંત્રીએ આપી, ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી
અમદાવાદની પ્રકાશ મનોદિવ્યાંગ શાળાની મુલાકાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી
અમેરિકાની યુનિફાઇડ બાસ્કેટબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ સહિત સ્પેશિયલ ખેલ મહાકુંભના વિજેતા બાળકોને મુખ્યમંત્રીશ્રીએ સન્માનિત કર્યા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવ ખાતેની પ્રકાશ મનોદિવ્યાંગ નિવાસી શાળાની મુલાકાત લઈ, શાળા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપવાની કામગીરીને ઉત્તમ સેવા સાથે સરખાવી હતી.
મુખ્યમંત્રીશ્રી ઉતરાયણ પર્વ પૂર્વે મંગળવારે સવારે બોડકદેવની આ મનોદિવ્યાંગ શાળામાં પહોંચ્યા હતા. તેમણે સ્નેહસભર વડીલ વાત્સલ્ય ભાવથી મનોદિવ્યાંગ બાળકોને મિઠાઈ વિતરણ કરીને ઉતરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મનોદિવ્યાંગ બાળકોએ પણ મુખ્યમંત્રીશ્રી સમક્ષ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજુ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ મનોદિવ્યાંગ બાળકોને રોજિંદા અને સામાજિક કાર્યો કરવાની તાલીમ આપવાની સંસ્થાની કામગીરીની પણ સરાહના કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી ડૉ. સુજાતાબેન શાહે સંસ્થાની વિવિધ કામગીરીની વિગતો આપતાં જણાવ્યું કે સંસ્થાની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૧૫૦૦ કરતાં વધુ બાળકોએ આ શાળામાં અભ્યાસ કર્યો છે તેમજ હાલ પણ ૧૦૦ જેટલાં બાળકોને અક્ષરો, રંગો, આકૃતિઓ ઓળખવા ઉપરાંત ફિઝિયો સહિતની તાલીમ આપવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે શાળાનાં બાળકો વિવિધ ખેલ પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. જે અંતર્ગત ગત મહિને અમેરિકાના પ્યુર્ટોરિકા ખાતે આયોજિત યુનિફાઇડ ઓલિમ્પિક બાસકેટ બોલની કોમ્પિટિશનમાં શાળાના હિત સાવંત નામના વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે કુલ ૨૭ જેટલા વિદ્યાર્થીઓએ રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીયકક્ષાએ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે શાળાનાં બાળકો દ્વારા નાટ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સહિતના મહાનુભાવો તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
