ઊંઝામાં કમળાના કેસો નોંધાતાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ
ઊંઝા, ઊંઝા શહેરમાં કેટલાક દિવસોથી કમળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં નોંધાયેલા કમળાના પાંચ કેસ પૈકી ૩ દર્દીએ પાણીપુરી ખાધા બાદ તકલીફ થયાનું જણાવ્યું હતું.
આથી ઊંઝા નગરપાલિકા તંત્રએ આકરાં પગલાં ભરતાં શહેરમાં પાણીપુરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પાલિકાની ટીમ દ્વારા પાણીપુરીના વિવિધ ઉત્પાદન સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાંથી બે સ્થળે બટાકાનો જથ્થો જપ્ત કર્યાે હતો જ્યારે એક સ્થળેથી પુરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ઊંઝા શહેરમાં કમળાના દર્દીઓ નોંધાતાં આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં નોંધાયેલા કમળાના પાંચ દર્દી પૈકી ત્રણ દર્દીએ પાણીપુરી ખાધી હોવાનું બહાર આવ્યું હતું. આથી ઊંઝા પાલિકા દ્વારા પાણીપુરી બનાવતા એકમો અને તેના ઉત્પાદન સ્થળોએ આકસ્મિક રેડ કરવામાં આવી હતી.પાલિકા દ્વારા ત્રણ સ્થળે કરાયેલી રેડ પૈકી બે સ્થળેથી બટાકાના જથ્થાને ઝડપી લીધો હતો જ્યારે એક સ્થળેથી પુરીને જપ્ત કરી હતી.
સાથે જ પાલિકાએ લોકાના સ્વાસ્થને ધ્યાનમાં રાખીને આજથી શહેરની તમામ લારીઓ અને દુકાનો પર પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણ ન આવે ત્યાં સુધી આ આદેશ અમલી રહેશે તેમ પાલિકા તંત્ર દ્વારા જણાવાયું હતું.SS1MS
