Western Times News

Gujarati News

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 19થી 25 જાન્યુઆરી દરમિયાન વિશેષ સૈન્ય બેન્ડ કાર્યક્રમ યોજાશે

કાર્યક્રમનો મુખ્ય હેતુ ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરનું સ્મરણ કરવાનો છે.

(પ્રતિનિધિ) અમદાવાદ,  દેશના 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રક્ષા મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ભવ્ય સૈન્ય બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમો ભારતીય સશસ્ત્ર દળો – આર્મી, નેવી, એરફોર્સ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) તથા કેન્દ્રીય અર્ધસૈન્ય દળો (CAPFs)ના સંકલનથી યોજાશે.

રક્ષા મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર આ બેન્ડ પ્રદર્શન 19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરનું સ્મરણ કરવો તેમજ રાષ્ટ્રપ્રેમ, એકતા, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના અખૂટ પ્રેમના મૂલ્યોને ઉજાગર કરવો છે.

આ અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 19 થી 25 જાન્યુઆરી દરમિયાન વિશેષ સૈન્ય બેન્ડ કાર્યક્રમ યોજાશે. આ સૈન્ય બેન્ડ પ્રદર્શન માત્ર સંગીત કાર્યક્રમ નહીં પરંતુ દેશની સશસ્ત્ર દળોની શિસ્ત, સંગઠન શક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનો જીવંત પરિચય છે, જે નાગરિકોમાં દેશ પ્રત્યે ગૌરવની લાગણી જન્માવે છે.

આ ઐતિહાસિક અને રાષ્ટ્રપ્રેરક પ્રસંગે વધુમાં વધુ નાગરિકો પરિવાર સાથે આ સૈન્ય બેન્ડ પ્રદર્શનને અવશ્ય મુલાકાત લે, દેશભક્તિના સંગીતમાં તરબોળ બને અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને સ્મરણિય બનાવે એવી અપીલ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સાબરમતી રિવરફ્રન્ટ રાજ્યના આઇકોનિક સ્થળ તરીકે ઊભરી આવ્યો છે. રિવરફ્રન્ટ બનતાં તેના પર એક પછી એક નવાં નવાં આકર્ષણો ઉમેરાયાં છે. રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનું હબ બનતું જાય છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આઇકોનિક અટલ બ્રિજ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. રિવરફ્રન્ટમાં એક તરફ સુંદર બાગ-બગીચા નિર્માણ પામ્યા છે તો બીજી તરફ સ્પોર્ટ્સ સંકુલ પણ વિકસ્યાં છે.

રિવરફ્રન્ટ પર યોજાતો ફ્લાવર શૉ હોય, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, ડ્રોન શૉ, મેરેથોન દોડ હોય કે સાઇકલિંગ રિવરફ્રન્ટ અબાલ-વૃદ્ધ સૌ માટે એક જાણીતું-માનીતું સ્થળ બની ચૂક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.