અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જાહેરમાર્ગ પર પડેલી દોરીઓ એકત્રિત કરશે
AI Image
(પ્રતિનિધિ) અમદાવાદ, ઉતરાયણના તહેવારમાં પતંગ ચગાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી દોરીઓ રોડ પર નાખી દેવામાં આવે છે. કપાયેલી પતંગ અને દોરીઓના કારણે અકસ્માતની સંભાવના રહેતી હોય છે.
જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા રોડ પરથી દોરીઓ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના બીઆરટીએસ રૂટ, નેશનલ હાઈવે, જાહેર રોડ બ્રિજ અને સોસાયટીઓના રોડ પરથી કપાયેલી પતંગ અથવા નકામી દોરીઓને રોડ પરથી એકત્રિત કરી લેવામાં આવી છે.
15 જાન્યુઆરી અને 16 જાન્યુઆરી બંને દિવસને દોરીઓ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવશે. અંદાજે 50 કિલોથી વધારે નકામી દોરીઓ શહેરમાંથી બે દિવસ દરમિયાન એકત્રિત કરવામાં આવે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે પતંગ ચગાવ્યા બાદ શહેરના અલગ અલગ જગ્યાઓ ઉપર લોકો જાહેર રોડ ઉપર દોરીઓ નાખી દેવામાં આવતી હોય છે. જેના કારણે નાગરિકો અને પશુ પક્ષીઓને અકસ્માત થવાની સંભાવનાઓ વધતી હોય છે. જેથી જાહેર રોડ અને સ્થળો ઉપરથી દોરીઓ દૂર કરવાની કામગીરી સવારથી શરૂ કરવામાં આવી છે.
સીએનસીડી વિભાગના સ્ટાફ દ્વારા શહેરના દરેક વિસ્તારમાંથી દોરીઓ એકત્રિત કરવામાં આવી રહી છે. બોપલ – ઘુમા, નરોડા, ચિલોડા, સાબરમતી ધર્મનગર, ચાંદખેડા વિસત હાઈવે, પાલડી, આંબાવાડી, ઇસનપુર ગોવિંદવાડી સર્કલ, નહેરુ બ્રિજ, વસ્ત્રાલ રબારી કોલોની, માણેકચોક, ઓઢવ અર્બુદાનગર, મણિનગર ભૈરવનાથ રોડ, રામબાગ રોડ, એલજી કોર્નર, ગાંધી બ્રિજ, દરિયાપુર કાજીપુર વગેરે વિસ્તારોમાંથી દોરીઓ એકત્રિત કરવામાં આવી છે.
ઉતરાયણના પર્વના દિવસે લોકો દાન- પુણ્ય કરતા હોય છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર (ગૌશાળા)માં નોંધપાત્ર દાન મળ્યું છે. માત્ર ઉતરાયણના દિવસે નાગરિકો દ્વારા રોકડા તેમજ ગાયોને ખાણીપીણીનું દાન કર્યું છે. લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો ગોળ, પાપડી, ખોળ, લાડુ, ઘઉં, બાજરી, સુકો મેવો, ગોળ સાથેનો ખીચડો, વગેરે ખવડાવી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું.
રૂ.87 હજારનું રોકડ દાન પણ મળ્યું હતું. આ વર્ષે ઉત્તરાયણ પર 3385 લોકો દાન પુણ્ય કરવા આવ્યા હતા. જ્યારે ગત વર્ષે માત્ર 840 લોકો જ ગૌશાળા ખાતે દાન પુણ્ય કરવા માટે આવ્યા હતા.
