Western Times News

Gujarati News

ભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અતૂટ સંકલ્પનું પ્રતીકઃ મોદી

સેના દિવસ નિમિતે પીએમ મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ

(એજન્સી)નવી દિલ્હી, દેશ ‘સેના દિવસ‘ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અપ્રતિમ સાહસનું પ્રતીક છે. સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણી સેના અતૂટ સંકલ્પ સાથે દેશની સુરક્ષા કરે છે.

વડાપ્રધાને સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પોસ્ટ દ્વારા જણાવ્યું કે, રાષ્ટ્ર આપણા સૈનિકોની વીરતા અને દ્રઢ પ્રતિબદ્ધતાને નમન કરે છે. કર્તવ્ય પ્રત્યેની તેમની ભાવના દેશમાં વિશ્વાસ અને કૃતજ્ઞતા જગાડે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સેના દિવસ પર શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ભારતીય સેના દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની રક્ષામાં હંમેશા અડિગ રહી છે. સૈનિકો માત્ર સરહદની સુરક્ષા જ નથી કરતા, પરંતુ આપત્તિ અને માનવીય સહાયના સમયે પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને સેનાના અધિકારીઓ, જવાનો અને ભૂતપૂર્વ સૈનિકોને નમન કરતા જણાવ્યું કે, દેશની સુરક્ષામાં તેમનું બલિદાન દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે કહ્યું કે, આપણી સરકાર એક આધુનિક અને ભવિષ્ય માટે તૈયાર સેનાના નિર્માણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સેનાએ પોતાના વ્યાવસાયિક કૌશલ્ય અને શિસ્ત દ્વારા વૈશ્વિક સ્તરે માન-સન્માન મેળવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે પણ જવાનોની શૌર્યગાથાને યાદ કરતા કહ્યું કે, સેનાના પરાક્રમની ગૂંજ આપણા ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલી છે, જે દરેક પેઢીમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.