Western Times News

Gujarati News

અમરેલીમાં કડકડતી ઠંડી, ૧૨ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

File Photo

(એજન્સી)અમરેલી, ગુજરાતમાં શિયાળાની ઋતુ તેના પૂરબહારમાં ખીલી છે, ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી શહેરમાં ઠંડીએ છેલ્લા ૧૨ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જાન્યુઆરી ૨૦૨૬માં અમરેલી રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને ૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, વર્ષ ૨૦૧૪ પછી જાન્યુઆરી માસમાં ક્્યારેય આટલી નીચી સપાટીએ તાપમાન ગયું નથી. અગાઉ ૬ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ અમરેલીમાં ૫.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ આ વર્ષે નોંધાયેલું ૬ ડિગ્રી તાપમાન દાયકાની સૌથી વધુ ઠંડી દર્શાવે છે.

તીવ્ર ઠંડી અને શીતલહેરના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ રસ્તાઓ સૂમસામ ભાસે છે અને લોકો ઠંડીથી બચવા માટે તાપણાં અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે.

પવનની ગતિમાં થયેલા વધારાને કારણે ચિલ્ડ ફેક્ટરની અસર અનુભવાઈ રહી છે, જેનાથી ઠંડીની તીવ્રતા વધુ આકરી લાગી રહી છે. નિષ્ણાતોના મતે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને ત્યાંથી આવતા ઠંડા પવનોને કારણે અમરેલી સહિત સમગ્ર પંથકમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આગામી થોડા દિવસો સુધી હજુ પણ તાપમાન નીચું રહેવાની શક્્યતા છે. પરંતુ સામાન્ય નાગરિકો માટે આ હાડ થીજવતી ઠંડી મુશ્કેલીઓ વધારી રહી છે.

નોંધનીય છે કે, ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ નલિયામાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા ૬.૧ ડિગ્રી ઘટીને ૩.૮ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ સિઝનનું આ અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન હતું. જેથી પરિસ્થિતિ એવી છે કે નલિયાના કેટલાક ભાગોમાં વહેલી સવારે બરફની પાતળી પરત જામી હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.