ઉત્તરાયણમાં પતંગના પેચ બાબતે પાડોશીઓ બાખડ્યા, એકની હત્યા
AI Image
(એજન્સી)રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં મકર સંક્રાંતિના પર્વની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. શહેરના ભગવતપરા વિસ્તારમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે થયેલી બોલાચાલીએ લોહિયાળ જંગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિની કરૂણ હત્યા નીપજી છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, ભગવતપરા ગેટ વાળી શેરીમાં એક જ જ્ઞાતિના બે પરિવારો પોતપોતાની અગાસી પર પતંગનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન પતંગ કાપવા અથવા દોરીના પેચ લેવા બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આવેશમાં આવેલા બંને પરિવારો નીચે શેરીમાં ઉતરી આવ્યા હતા અને વાત મારામારી સુધી પહોંચી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા શાંત વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.
આ હિંસક અથડામણમાં અનિલભાઈ પુંજાભાઈ લુણસીયા, કાંતિભાઈ મકવાણા, સાગરભાઈ મકવાણા અને સુનીલભાઈ મકવાણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ચારેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જોકે, અનિલભાઈ લુણસીયાની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ રાજકોટ પહોંચતા પહેલા જ રસ્તામાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. ઉત્તરાયણના દિવસે હત્યાની ઘટનાને પગલે ગોંડલ શહેરમાં સનસનાટી મચી ગઈ છે.
બનાવની જાણ થતા જ એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે અગમચેતીના ભાગરૂપે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી, ઇજાગ્રસ્તોના નિવેદનના આધારે ગુનો નોંધવાની અને ફરાર આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ક્ષણિક આવેશમાં પાડોશીઓએ પાડોશીનું લોહી વહાવતા આખો વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
