Western Times News

Gujarati News

ટ્રમ્પની પોલીસે ઇમિગ્રન્ટ્‌સને પગમાં ગોળી મારતા ફરી બબાલ

મિનિયાપોલીસ, અમેરિકાના મિનિયાપોલીસ શહેરમાં ફેડરલ અધિકારીએ વેનેઝુએલાના એક વ્યક્તિને પગમાં ગોળી મારી ઘાયલ કરતાં ફરી તંગદિલી ઊભી થઈ હતી.

ગયા સપ્તાહે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના અધિકારીએ ૩૭ વર્ષીય અમેરિકન મહિલા પર ફાયરિંગ કરતાં તેનું મોત થયું હતું અને તેનાથી ટ્રમ્પ વહીવટીતંત્ર સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે જણાવ્યું હતું કે ફેડરલ કાયદા અમલીકરણ અધિકારીઓએ અમેરિકામાં ગેરકાયદે રહેતા વેનેઝુએલાના એક વ્યક્તિને અટકાવ્યો હતો. તે વ્યક્તિ ગાડી લઇને ભાગ્યો હતો અને એક પાર્ક કરેલી કાર સાથે અથડાયો હતો. આ પછી તે બહાર આવ્યો હતો.

અધિકારીઓ તે વ્યક્તિ સુધી પહોંચ્યા તે પછી નજીકના એપાર્ટમેન્ટમાંથી બીજા બે લોકો આવ્યાં હતાં અને ત્રણેય લોકોએ અધિકારી પર હુમલો કર્યાે હતો. તેથી અધિકારીએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું.

એપોર્ટમેન્ટમાંથી આવેલા બે વ્યક્તિને કસ્ટડીમાં લેવાયા હતાં.અગાઉ ૭ જાન્યુઆરીએ મિનિયાપોલીસમાં અધિકારીઓએ રેની ગૂડ નામની મહિલાને ગોળી મારતા તેનું મોત થયું હતું. આ ઘટના પછી સતત વિરોધી દેખાવો ચાલુ છે, ત્યારે આ નવી ઘટના માત્ર કિમી દૂર બની હતી. બુધવારની ઘટના પછી શહેરના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં.

તેમને વિખેરી નાંખવા માટે અધિકારીઓએ ટીયર ગેસના સેલ છોડ્યાં હતાં.મિનિયાપોલિસમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સામેના વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બનતા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે બળવાખોરી ધારો અમલી બનાવીને સૈનિકો તૈનાત કરવાની ધમકી આપી હતી.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે જો મિનેસોટાના ભ્રષ્ટ રાજકારણીઓ કાયદાનું પાલન કરીને પ્રોફેશનલ આંદોલનકારીઓ અને બળવાખોરોને આઈસીઈના દેશભક્તો પર હુમલો કરતા અટકાવશે નહીં તો વિરોધી દેખાવોને અંત લાવવા માટે સૈનિકો તૈનાત કરીશ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.