ડિજિટલ એરેસ્ટના કેસોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના
AI Image
નવી દિલ્હી, ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે મંત્રાલયે ડિજિટલ એરેસ્ટ સ્કેમ કેસોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ આવા સાયબર ગુનાનો સામનો કરવા માટે ભલામણો કરશે.આ મામલે સુનાવણી કરતાં અગાઉ ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ડિજિટલ એરેસ્ટ કેસોની દેશવ્યાપી તપાસ કરવા સીબીઆઇને તાકીદ કરી હતી.
સર્વાેચ્ચ અદાલતે આવા સાયબર ગુનાના કેસોનો સામનો કેવી રીતે કરવો તે અંગે ગૃહ મંત્રાલય સહિત વિવિધ કેન્દ્રીય મંત્રાલયોના અભિપ્રાયો પણ માંગ્યાં હતાં.ગૃહ મંત્રાલયે માહિતી આપી હતી કે ડિજિટલ એરેસ્ટના કેસોની વ્યાપક તપાસ કરવા માટે વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા)ની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય આંતર-વિભાગીય સમિતિની રચના કરાઈ છે.
આ સમિતિમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી, વિદેશ મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ, કાયદો અને ન્યાય મંત્રાલય, રિઝર્વ બેન્ક, સીબીઆઇ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ), દિલ્હી પોલીસ અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર અધિકારીઓનો સમાવેશ કરાયો છે.મંત્રાલયે જણાવ્યું હતું કે આ સમિતિ તપાસ એજન્સીઓ દ્વારા સામનો કરવામાં આવતા રિયલ ટાઇમ મુદ્દા, એમિકસ ક્યુરી (કોર્ટના મિત્ર)ની ભલામણો અને કોર્ટના આદેશો પર વિચારણા કરશે તથા સંબંધિત કાયદાઓ, નિયમો, પરિપત્રો અને અમલીકરણમાં રહેલી ખામીઓને ઓળખી કાઢશે.
આ પછી સુધારાના પગલાં સૂચવશે. આ સમિતિ દર બે સપ્તાહે તેની બેઠક યોજશે. સમિતિની પ્રથમ બેઠક ૨૯ ડિસેમ્બરે યોજાઈ હતી.મંત્રાલયે જણાવ્યું હતું કે ૧૪સીએ ખાતાઓને તાકીદે ફ્રીઝ કરવા, રિકવરી કરવી અને પીડિતને નાણા પરત કરવા માટેની એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરી છે. આ ઉપરાંત નેશનલ સાયબરક્રાઇમ રિપો‹ટગ પોર્ટલમાં મોટાપાયે સુધારો કરવામાં આવી રહ્યાં છે. ૧૯૩૦ હેલ્પલાઇનન ચાલુ કરવાની પણ વિચારણા ચાલે છે.
સમિતિએ પીડિતને વળતર આપવાના એમિકસ ક્યુરીના સૂચનની પણ વિચારણા કરી છે અને સંમત થઈ છે કે બેન્ક કે ટેલિકોમ કંપનીઓની બેદરકારી અથવા સેવામાં ખામીને કારણે નુકસાન થયું હશે તો વળતર ચુકવવું જોઇએ.આ મામલે મંત્રાલયે વધુ એક મહિનાનો સમય માંગ્યો હતો, તેથી સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી ૨૦ જાન્યુઆરી સુધી મોકૂફ રાખી હતી.SS1MS
