માલ્યાએ કોર્ટમાં હાથ જોડીને કહ્યું, બેંકો મારી પાસેથી પૈસા લઈ લે
લંડન, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ લંડનની કોર્ટમાં ગુરૂવારે થયેલી સુનાવણી દરમિયાન જાહેરમાં હાથ જોડીને કહ્યુ હતુ કે, ભારતીય બેંકો મારી પાસેથી તેમના બાકીના પૈસા પાછા લઈ લે. માલ્યાએ કોર્ટની બહાર નિવેદન આપીને કહ્યુ હતુ કે, હું બેંકોને તેમની બાકી તમામે તમામ રકમ પાછી આપવા તૈયાર છું. ઈડી અને સીબીઆઈએ મારી સાથે સારો વ્યવહાર નથી કર્યો. કિંગ ફિશર એરલાઈનના પૂર્વ માલિક 64 વર્ષીય વિજય માલ્યા પર ભારતમાં મની લોન્ડરિંગ અને છેતરપિંડીનો આરોપ છે. જેની તપાસ ઈડી અને સીબીઆઈ કરી રહી છે. માલ્યા પર બેંકોની 9000 કરોડની લોન નહી ચુકવવાનો પણ આરોપ છે. માલ્યાએ કહ્યુ હતુ કે, મેં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કોઈ ગુનો નથી કર્યો પણ આમ છતા બેન્કોની ફરિયાદના આધારે મારી સંપત્તિ જપ્ત કરી લેવાઈ છે.
માલ્યાએ આરોપ લગાવ્યો હતો કે, હું પૈસા પાછા આપવા તૈયાર હોવા છતા ઈડી પૈસા પાછા લઈ રહ્યુ નથી. છેલ્લા ચાર વર્ષથી મારી સાથે તેઓ જે વ્યવહાર કરી રહ્યા છે તે યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે અરજી કરેલી છે.માલ્યા હાલમાં પ્રત્યાર્પણ વોરંટના મામલામાં જમીન પર છે. તેમના માટે આ મામલાનુ સુનાવણીમાં હાજર રહેવુ જરુરી નથી પણ તેઓ હાજરી આપી રહ્યા છે.