પાલડીમાં એક કરોડથી વધુની કિંમતનો ગેરકાયદેસર બંગલો AMCએ તોડી પાડ્યો
અશાંતધારા મુદ્દે પણ ફરિયાદ હતી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર બંગલાને મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
નવો બંગલો બનાવવા માટે બાંધકામ કર્યા હોવા અંગેની એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી જેના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી જે બાદ આજે 16 જાન્યુઆરીનો રોજ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બંગલો તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. સોસાયટીમાં બંગલાઓ લઘુમતી સમાજને વેચીને અશાંતધારાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પણ કરવામાં આવી હતી.
પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પાલડી વિસ્તારમાં નુતન સર્વોદય સોસાયટીમાં બંગલા નંબર 1માં સવારથી ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંગલાનું બાંધકામ ગેરકાયદેસર હતું જે અંગે અવારનવાર નોટિસો આપવામાં આવી હતી છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે આજે 16 જાન્યુઆરીના રોજ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબી મશીન અને મજૂરોની મદદ લઈને બંગલો ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પાલડીના નૂતન સર્વોદય સોસાયટીમાં નવ જેટલા બંગલાઓ અશાંતધારાનો ભંગ કરીને વેચાણ કરી દેવામાં આવતા સ્થાનિક એલિસ બ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં દિલીપ મોદી નામના વ્યક્તિનો બંગલો ગેરકાયદેસર રીતે ઉભો કરવા હોવા અંગેની પણ ફરિયાદ મળી હતી. મુસ્તફા માણેકચંદ નામના વ્યક્તિને બંગલો વેચાણ આપવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર બાંધકામ હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આ બંગલો ડીમોલેશન કરવામાં આવ્યો છે.
