Western Times News

Gujarati News

દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી થકી તંદુરસ્ત અને સુખી-સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ :રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

દાંતીવાડા મુકામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં

સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી અંગે માસ્ટર ટ્રેનર્સની તાલીમ કાર્યશાળા યોજાઇ

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા મુકામે કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી અંગે પ્રશિક્ષિત ખેડુતોની તાલીમ કાર્યશાળા યોજાઇ હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરીને તંદુરસ્ત અને સુખી-સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ. દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલી વિરાટ સંખ્યામાં ખેતી ઉપયોગી બેક્ટેરીયા હોય છે તેના દ્વારા નોંધપાત્ર ખેત ઉત્પાદન મેળવીને બિમારીઓથી પણ દૂર રહી શકાય છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, સમગ્ર રાજયમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અભિયાન સ્વરૂપ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં પ્રાકૃતિક ખેતી અંગે માસ્ટર ટ્રેનરો અને ખેડુતોના સંમેલનો યોજાઇ રહ્યાં છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, તા. ૪ સપ્‍ટેમ્બરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૧૦ હજાર જેટલાં ખેડુતોને આમંત્રણ પાઠવી એ દિવસે નિર્ણય લીધો હતો કે, ગુજરાતને રાસાયણિક ખેતીથી મુક્ત બનાવીશું. અને હવે એ દિશામાં પરિણામદાયી પ્રયાસો વડે સફળતાપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું કે, તા. ૫ થી ૧૧ ડિસેમ્બર દરમ્યાન ખેડા જિલ્લાના વડતાલ નગરમાં ૨૨ હજાર જેટલાં ખેડુતોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે. સૌ ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે સંકલ્પબધ્ધ બની પ્રયાસો કરવા રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સમજુ, મહેનતું અને બહાદુર ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન ફળદ્રુપ બને છે, ઉજ્જડ અને બિન ઉપજાઉ જમીનને પણ આ પધ્ધતિથી ફળદ્રુપ બનાવી શકાય છે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી હોસ્પિટલો ભરચક છે ત્યારે સમાજને ફેમીલી ર્ડાકટરની સાથે સાથે હવે ફેમીલી ખેડુતની જરૂર છે. રાજ્યપાલશ્રીએ પોતાના અનુભવો જણાવતાં કહ્યું કે, હરીયાણા-કુરૂક્ષેત્રના ગુરૂકળમાં શ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીના અમલથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે, અને ખર્ચમાં મોટો ઘટાડો થયો છે.

તેમજ આ પધ્ધતિથી ઉત્પાદીત ખેતી પાકોની લોકો દ્વારા મોટાપાયે માંગ કરવામાં આવે છે. છેલ્લા ૮-૧૦ વર્ષથી હરીયાણાના કુરૂક્ષેત્ર-ગુરૂકુળની ૨૦૦ એકર જમીનમાં રાસાયણીક ખાતરોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. તેમણે ઉમેર્યુ કે, મને જયારે વિશ્વાસ થયો કે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે ત્યારબાદ મેં હિમાચલ પ્રદેશમાં ખેડુત સંમેલનો કરી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રયાસો શરૂ કર્યા. અને જેમણે આ પધ્ધતિ અપનાવી છે તે બધા ખેડુતો સફળ થયા છે તેમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ખેડુતોને અભિનંદન આપતાં જણાવ્યું કે, મહાન લોકો શરૂ કરેલ કામને ક્યારેય અધવચ્ચે છોડતા નથી તેમ આપણે પણ આ પ્રયાસોને છોડીશું નહીં. તેમણે કહ્યું કે, રાસાયાણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી લોકો ગંભીર બિમારીઓના ભોગ બની રહ્યા છે ત્યારે આ મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઇલાજ છે. પ્રાકૃતિક ખેતી કરીએ તો જમીનમાં ઉંડે રહેલા અળસીયાં બહાર આવે છે.

અળસીયાં ખેડુતોના મિત્ર છે. જેમને આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી નાશ કર્યો છે. અળસીયાં અને દેશી ગાયોના ફાયદા રાજ્યપાલશ્રીએ વિસ્તૃત રીતે સમજાવ્યા હતાં. તેમણે ખેડુતોને દેશી ગાય રાખવાના સંકલ્પ લેવડાવ્યા હતાં.

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પૂનમચંદ પરમારે જણાવ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી છે અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે ત્યારે પ્રાકૃતિક ખેતીના અભિગમથી બિમારીઓ દુર કરવા અને ખેડુતોની આવક વધારવા સમગ્ર રાજ્યમાં વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બિમારીઓથી દૂર રહેવા પ્રાકૃતિક ખેતી આશીર્વાદરૂપ છે.

અધિક મુખ્ય સચિવશ્રીએ કહ્યું કે, દેશી ગાયનું છાણ અને ગૌમૂત્રનો એક એક કણ ખેતી માટે બહુ જ ઉપયોગી છે તેનો પધ્ધતિસર ઉપયોગ કરી સારું ઉત્પાદન અને આવક મેળવીએ.

આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરોએ ખેડુતો સાથેના પોતાના રસપ્રદ સફળ અનુભવો અને પ્રતિભાવો જણાવ્યા હતાં. આત્મા ટીમ બનાસકાંઠા દ્વારા નિર્મિત પ્રાકૃતિક ખેતી અંગેની ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં કલેકટરશ્રી સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી ર્ડા. આર.કે.પટેલ, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ, આત્માના નિર્દેશકશ્રી કે. ડી. પંચાલ, ખેતીવાડી અધિકારી, આત્માની ટીમ સહિત માસ્ટર ટ્રેનરો અને વિશાળ સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.