શહેરીજનોને રોગચાળાથી બચાવવા પાણીપૂરીના ફેરિયા સામે ઝુંબેશ જારી
અમદાવાદ, શહેરીજનોને ખાણીપીણીજન્ય રોગચાળાથી બચાવવા માટે મ્યુનિ.એ પાણીપૂરીની લારીઓ સામે વ્યાપક ઝુંબેશ જારી રાખતાં જુદા જુદા વિસ્તારોમાંથી ૭૦થી વધુ લારી જપ્ત કરવાની સાથે વાસી અને બિનઆરોગ્યપ્રદ બટાકા-ચણા વગેરેનો નાશ કરાવ્યો હતો.મ્યુનિ. હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે, અત્યંત ખરાબ વાતાવરણમાં અને બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુ વાપરી બનાવાતી પાણીપૂરી શહેરીજનોને કમળો, ટાઇફોઇડ સહિતનાં રોગચાળાનો ભોગ બનાવી શકે છે.
તેથી મ્યુનિ.કમિશનરની સૂચના મુજબ, તમામ ઝોનમાં જાહેર માર્ગાે ઉપર ઉભી રહેતી પાણીપૂરીની લારીઓમાં ચેકિંગ કરી હાઇજેનિક કન્ડિશન, પાણીપૂરીનાં પાણી, બટાકા-ચણા, તીખી-ગળી ચટણી વગેરેનુ ચેકિંગ કરવાની કાર્યવાહી કરવાની સાથે સાથે એસ્ટેટ ખાતાએ રોડ ઉપર દબાણ કરતી લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
તેમણે કહ્યું કે, મ્યુનિ. ફૂડ વિભાગની ટીમો પાણીપૂરીની લારીઓમાંથી જરૂરી સેમ્પલ લેવાની સાથે વાસી અને બિનઆરોગ્યપ્રદ મસાલા વગેરેનો નાશ કરાવે છે, તો એસ્ટેટ ખાતાની ટીમો ટ્રાફિકને અડચણ કરતી લારીઓ ઉપાડી રહી છે.ઉત્તર પશ્ચિમ ઝોનમાં સાયન્સ સિટી રોડ, સોલા ગામ, કારગીલથી ડમરૂ સર્કલ, વંદેમાતરમ રોડ, ચાંદલોડિયા બ્રિજ પાસે, જજીસ બંગલો રોડ અને એનએફડી સર્કલ રોડ વગેરે જગ્યાએ એસ્ટેટ તથા હેલ્થ ખાતાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ તમામ જગ્યાએ પાણીપૂરીની લારીઓ ચલાવનારાઓને સ્વચ્છતા જાળવવા તેમજ જાહેર આરોગ્યને હાનિ થાય તેવી ચીજવસ્તુઓનો ઉપયોગ નહિ કરવાની તાકીદ કરી યોગ્ય જગ્યાએ ઉભા રહી વ્યવસાય કરવાની સૂચના આપવામાં આવી છે.મળતી માહિતી મુજબ, એસ્ટેટ અને હેલ્થ ખાતાની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી ૧૬, મધ્ય ઝોનમાંથી ૧૬, દક્ષિણ ઝોનમાંથી ૧૩, ઉત્તર ઝોનમાંથી ૧૪ અને પૂર્વ ઝોનમાંથી આઠ લારીઓ જપ્ત કરવામાં આવી હતી.SS1MS
