Western Times News

Gujarati News

શિક્ષક બનવા માટેની મુખ્ય પરીક્ષામાં પેપર-૨ની પેટર્નમાં ધરખમ ફેરફાર

અમદાવાદ, રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોના શિક્ષક માટેની પરીક્ષાના પેપરની પેટર્નમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.૯થી ૧૨ના શિક્ષક માટેની મુખ્ય પરીક્ષાના પેપર-૨માં ૬ અને ૮ ગુણના પ્રશ્નોને હટાવી દેવાયા છે.

વધુ ગુણના પ્રશ્નોના મૂલ્યાંકન વખતે કોઈને લાભ તો કોઈને અન્યાય થવાની શક્યતાના પગલે આ નિર્ણય કરાયો છે. પેપરની પેટર્નમાં કરવામાં આવેલા ફેરફારના પગલે હવે ૧ ગુણના હેતુલક્ષી અને ૨ ગુણના પ્રશ્નોની સંખ્યા વધારી દેવાઈ છે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની શિક્ષક અભિરૂચિ કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. વર્ષ-૨૦૨૩થી સરકારે આ પરીક્ષાનું માળખું બદલી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરી હતી.

જે અનુસાર, ધો.૯થી ૧૦ શિક્ષક માટે ટેટ-એસ અને ધો.૧૧, ૧૨ના શિક્ષક માટે ટેટ-એચએસ લેવામાં આવે છે. આ માટે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવ્યા બાદ તેમાં પાસ થયેલા ઉમેદવારોની મુખ્ય પરીક્ષા લેવામાં આવતી હોય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૨૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે.

મુખ્ય પરીક્ષામાં પેપર-૨માં વિસ્તૃત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. જેમાં ૮ ગુણ સુધીના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો હતો. જોકે, હવે શિક્ષણ વિભાગ દ્વારા પેપર-૨ના માળખામાં મોટાપાયે ફેરફાર કર્યાે છે. અત્યાર સુધી પેપર-૨માં ૮ ગુણના ૩ પ્રશ્નો અને ૬ ગુણના ૪ પ્રશ્નો પૂછવામાં આવતા હતા. જોકે, નવા માળખામાં ૮ ગુણના અને ૬ ગુણના પ્રશ્નો જ હટાવી દેવામાં આવ્યા છે. તેના બદલે નવા માળખામાં ૫ ગુણના ૭ પ્રશ્નો પૂછાશે.

જૂના માળખામાં ૫ ગુણના પ્રશ્નો ન હતા. આ જ રીતે ૪ ગુણના પાંચ પ્રશ્નો પૂછવામાં આવતા હતા તેના બદલે હવે ૭ પ્રશ્નો પૂછવામાં આવશે. આ ઉપરાંત ૨ ગુણના ૧૦ પ્રશ્નો પૂછાતા હતા, પરંતુ ફેરફાર બાદ તે સંખ્યા ૧૧ પર પહોંચી છે. જ્યારે ૧ ગુણના ૧૨ પ્રશ્નો પૂછાતા હતા, તેના બદલે હવે ૧૫ પ્રશ્નો પૂછવામાં આવશે. આમ, જૂના માળખામાં ૮ ગુણના ૩, ૬ ગુણના ૪, ૪ ગુણના ૫, ૨ ગુણના ૧૦ અને ૧ ગુણનો ૧૨ પ્રશ્ન હતા. જ્યારે નવા માળખામાં ૫ ગુણના ૭, ૪ ગુણના ૭, ૨ ગુણના ૧૧ અને ૧ ગુણના ૧૫ પ્રશ્નો પૂછાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.