અમદાવાદમાં આસ્ટોડિયા નજીક બીઆરટીએસ કોરિડોરમાં ગમખ્વાર અકસ્માત થયો
અમદાવાદ, અમદાવાદના આસ્ટોડિયા દરવાજા નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બીઆરટીએસ કોરિડોરમાં પુરપાટ ઝડપે જઈ રહેલું મોપેડ અચાનક લોખંડની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોપેડચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની પાછળ બેઠેલી પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, આસ્ટોડિયા દરવાજા બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહેલા મોપેડચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. મોપેડ સીધું જ કોરિડોરની સાઈડમાં આવેલી લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું.
આ ટક્કર એટલી જોરદાર હતી કે ચાલક ફંગોળાઈને નીચે પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.મૃતકની પાછળ તેની નાની દીકરી બેઠી હતી, જેને પણ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ કેતન કુમાર તરીકે થઈ છે.
તપાસ દરમિયાન તેમના વિશે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કેતન કુમાર સામે વર્ષ ૨૦૦૪માં હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ કેસમાં વર્ષ ૨૦૦૭માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અકસ્માતને પગલે બીઆરટીએસકોરિડોરમાં થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મકલ્યો છે.SS1MS
