Western Times News

Gujarati News

રાજ્યના પ્રભાવિત તાલુકાઓમાં હાથીપગા રોગને અટકાવવા ‘સામૂહિક દવા વિતરણ’ અભિયાન યોજાશે

હાથીપગા રોગના નિર્મૂલન માટે ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરશ્રીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો સાથે આયોજન બેઠક યોજાઇ

રાજ્યના ત્રણ જિલ્લાના ચાર પ્રભાવિત તાલુકાઓમાં હાથીપગા રોગને અટકાવવા આગામી તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન ‘સામૂહિક દવા વિતરણ’ અભિયાન યોજાશે. આ અભિયાનમાં ભરૂચનો નેત્રંગ તાલુકો, નર્મદાના નાંદોદ અને દેડિયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની કુલ ૫.૪૮ લાખથી વધુ વસ્તીને સાંકળી લેવામાં આવશે. આ અભિયાનમાં સરકારની સાથે નાગરિકો પણ જોડાશે તો સમાજને વધુ તંદુરસ્ત બનાવી શકીશું તેમ, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ દ્વારા જણાવાયું હતું.

રાજ્યમાંથી હાથીપગા રોગના નિર્મૂલન માટે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરશ્રીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો સાથે આયોજન બેઠક યોજાઇ હતી.

આરોગ્ય કમિશનરશ્રીએ વિગતો આપતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઈલેરિયા-હાથીપગા રોગનું નિર્મૂલન કરવા માટેનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૭ જિલ્લા હાથીપગા માટે સંવેદનશીલ ગણાય છે. લિમ્ફેટીક ફાઈલેરીયાસીસને સામાન્ય રીતે હાથીપગા-એલીફન્ટાઈસીસ તરીકે ઓળખવામાં આવે છે. જે ક્યુલેક્ષ નામના મચ્છરથી ફેલાતો રોગ છે. આ મચ્છર ગંદા પાણીમા ઉત્પન્ન થાય છે. એક વાર હાથીપગો થયા પછી તે મટી શકે નહીં અને તે દર્દી આ જિંદગીભર દિવ્યાંગ બની રહે છે.

આરોગ્ય કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે નેત્રંગ, નાંદોદ, દેડિયાપાડા અને વઘઈ એમ ચાર તાલુકાઓમાં તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશનનો ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં સગર્ભા બહેનો, ધાત્રી માતા અને અતિશય બિમાર હોય તે સિવાય બે વર્ષથી ઉપરની આયુ ધરાવતા તમામને ઉંમર પ્રમાણે નિયત થયેલી દવા રૂબરૂ ગણાવવામાં આવશે. આ દવા બે વર્ષની નાના બાળકોને ગાળાવવામાં આવતી નથી. અભિયાન દરમિયાન આ વિસ્તારમાં રહેતા હોય કે ના રહેતા હોય તમામને દવા ખાસ ગળાવવાની છે જેથી આ રોગને અન્ય વિસ્તારમાં પણ ફેલાવતો અટકાવી શકાય.

આ અભિયાન અંતર્ગત ફાઈલેરિયા-હાથીપગા રોગ માટેના સંવેદનશીલ નથી તેવા જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં રાત્રી બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લોહીના નમુનાઓ લેવામાં આવ્યા હતા. જેના પરીક્ષણ બાદ ભરૂચનો નેત્રંગ તાલુકો, નર્મદાનો નાંદોદ અને ડેડીયાપાડા તાલુકો અને ડાંગનો વઘઇ તાલુકો આમ ત્રણ જિલ્લાના કુલ ચાર તાલુકાના વિસ્તારોમાંથી લેવામાં આવેલા લોહીના નમૂનામાં હાથીપગા રોગના કૃમિ જોવા મળ્યા હતા. જેથી આ ચાર તાલુકાઓમાં કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન-સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો પ્રથમ રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો હતો તેમ, આરોગ્ય કમિશનરશ્રીએ ઉમર્યું હતું.

બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા ફાઇલેરીયા નિર્મૂલનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. આયોજન બેઠકમાં આરોગ્ય કમિશનરની કચેરીના અધિક નિયામક, પંચાયત વિભાગ, આયુષ વિભાગ, કમિશનર નગરપાલિકાઓ, ઉદ્યોગ, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, માહિતી, સિંચાઇ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્નીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.