Western Times News

Gujarati News

ચંડોળામાં આધુનિક એસ.ટી. વર્કશોપના નિર્માણ થકી મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે સરકારનું મહત્વનું કદમ

નવું વર્કશોપ કાર્યરત થવાથી અમદાવાદ શહેર અને આસપાસના રૂટ પર દોડતી એસ.ટી. બસોની સેવા બનશે વધુ સુદ્રઢ

ચંડોળામાં અત્યાધુનિક એસ.ટી. વર્કશોપનું મંત્રી દર્શનાબહેન વાઘેલા અને દિનેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સંપન્ન

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદના ચંડોળા મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના નેતૃત્વમાં એસ.ટી. નિગમ હાલ ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. નાગરિકોની સુવિધા માટે નિગમ દ્વારા અત્યાધુનિક વોલ્વો જેવી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બસોના સુચારુ સંચાલન માટે શ્રેષ્ઠ સર્વિસિંગ અને જાળવણી પણ તેટલી જ અનિવાર્ય છે.

મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે હેતુથી ચંડોળા ખાતે આ આધુનિક વર્કશોપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી બસોનું સમયસર અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ થઈ શકે.

ઉપસ્થિત મહાનુભાવો, એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં વિધિવત પૂજન સાથે વર્કશોપના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નવું વર્કશોપ કાર્યરત થવાથી અમદાવાદ શહેર અને આસપાસના રૂટ પર દોડતી એસ.ટી. બસોની સેવા વધુ સુદ્રઢ બનશે.

આ ખાતમુહૂર્ત સમારોહમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, એસ.ટી. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.