સ્લમ રિહેબિલિટેશન, દબાણ અને અન્ય પ્રશ્નોનું સત્વરે હકારાત્મક નિવારણ લાવવા ચર્ચા થઈ
જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
સંકલનના પ્રશ્નોનું સત્વરે હકારાત્મક નિવારણ લાવવા અધિકારીઓને અનુરોધ કરતાં જિલ્લા વિકાસ અધિકારી
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સંકલન બેઠકમાં પુછાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી, તેનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે સંકલનમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ત્વરિત ધોરણે તેનું નિરાકરણ થાય તે જરૂરી છે.
આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, અસલાલી તળાવ કામગીરી, મુનસર તળાવની સફાઈ, આરોગ્ય કેન્દ્રનાં કામો, વિરમગામ તાલુકાના ગામોના પોસ્ટલ પિનકોડને લગતાં પ્રશ્નો, દેત્રોજ તાલુકામાં પાણીના બોર, રોજગાર મેળામાં સ્થાનિકોને અગ્રતા, ગૌચરની જમીન, વીજ પુરવઠાના પ્રશ્નો, ડેટા એન્ટ્રી, દબાણો દૂર કરવા સહિત ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિવારણ કરાયું હતું.
જ્યારે શહેરી વિસ્તારના પ્રશ્નોમાં સ્લમ રિહેબિલિટેશન, દબાણના પ્રશ્નો, યુએલસી, રેલવેને લગતા વિવિધ પ્રશ્નો, કુબેરનગર આટીઆઈ ફૂટ ઑવર બ્રિજ, જેટકો, ટ્રાફિક, પોલીસ આવાસ, કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરી ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી.
આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, ધારાસભ્યો સર્વે શ્રી હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી, બાબુભાઈ પટેલ, કૌશિક જૈન, અમિત શાહ, હર્ષદ પટેલ, જિતેન્દ્રભાઈ પટેલ, શ્રીમતી પાયલ કુકરાણી, ઇમરાન ખેડાવાલા, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
