Western Times News

Gujarati News

અમદાવાદ SPIPA ખાતે ‘સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ-૨૦૨૫’નો સમાપન સમારોહ સંપન્ન

ભાવિ અધિકારીઓ ‘વિકસિત ભારત’ના નિર્માણમાં સત્યનિષ્ઠા અને સમાનુભૂતિ સાથે કાર્ય કરે: LBSNAAના ડેપ્યુટી ડાયરેક્ટર દીપ કોન્ટ્રાક્ટર

સ્પીપા ખાતે ૧૦ સપ્તાહના સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સની પૂર્ણાહુતિ: નૈતિક લોકસેવા અને ડિજિટલ ગવર્નન્સ પર અપાયો ભાર

વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તાલીમી અધિકારીઓને સન્માનિત કરાયા

Ahmedabad,  ગુજરાત સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) ખાતે તા. ૧૦ નવેમ્બર ૨૦૨૫થી શરૂ થયેલા ‘સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ-૨૦૨૫’નો સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (LBSNAA), મસૂરીના ડેપ્યુટી ડાયરેક્ટર (Sr.) સુશ્રી દીપ કોન્ટ્રાક્ટર, IFS વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

સુશ્રી કોન્ટ્રાક્ટરે સ્પીપાના સુચારુ આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું કે આ તાલીમ ભાવિ અધિકારીઓને સંવેદનશીલ અને નૈતિક જાહેર સેવક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. તેમણે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી તાલીમાર્થીઓને સત્યનિષ્ઠા, નિષ્પક્ષતા અને નિર્ણાયકતાના ગુણો કેળવવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે વર્ષ ૨૦૨૨ની આ બેચ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, AI અને ડેટા ગવર્નન્સની પ્રથમ પેઢી છે. ‘વિકસિત ભારત’ એ આપણો ધ્યેય છે અને છેવાડાના માનવી પ્રત્યે સમાનુભૂતિ રાખવી એ પ્રશાસનની પ્રાથમિકતા હોવી જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.

સ્પીપાના સંયુક્ત નિયામકશ્રી એ.એ. ડોડિયાએ સ્ટાફની કામગીરીને બિરદાવી તમામ તાલીમાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસંગે આસિસ્ટન્ટ કોર્સ કો-ઓર્ડિનેટર દ્વારા તાલીમનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કરાયો હતો, જેમાં ૮૧ અધિકારી-તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આયોજિત શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓની વિગતો આપવામાં આવી હતી. સમારોહમાં તાલીમાર્થીઓની ૧૦ સપ્તાહની સફર દર્શાવતી એક ભાવવાહી ટૂંકી ફિલ્મનું પ્રદર્શન અને તાલીમની ઝલક દર્શાવતી બુકલેટનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

વધુમાં, તાલીમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રમતગમત, ફોટોગ્રાફી, ઈન્ડિયા ડે અને વિલેજ વિઝિટ જેવી પ્રવૃત્તિઓ તેમજ ‘Esprit de Corps’, ડાયરેક્ટર જનરલ્સ એસેસમેન્ટ હેઠળ શ્રેષ્ઠ તાલીમાર્થી અને ‘ઓર્ડર ઓફ મેરિટ’ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે સ્પીપાના નાયબ મહાનિદેશકશ્રી ચંદ્રેશ કોટક (IAS), નાયબ નિયામક શ્રી હાર્દિક પ્રજાપતિ, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ સુશ્રી ધરતી શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.