અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી OPD સેવા
એક જ વર્ષમાં 54 હજારથી વધુ સફળ ઓપરેશન અને 34 લાખથી વધુ લેબ ટેસ્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કાર્યક્ષમતાનો પુરાવો
‘લાખો દર્દીઓ, એક વિશ્વાસ‘ – વર્ષ 2025માં અંદાજે 3.98 લાખ એક્સ-રે અને 24 હજાર સીટી સ્કેન સાથે નિદાન ક્ષેત્રે સિવિલની અનોખી સિદ્ધિ
વર્ષ 2025ના આંકડા અમારા તબીબો અને સ્ટાફની રાત-દિવસની મહેનત અને લોકોના અતૂટ વિશ્વાસનું પરિણામ :- ડૉ.રાકેશ જોષી, સિવિલ સુપ્રીટેન્ડેન્ટ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે માત્ર એક સરકારી આરોગ્ય સંસ્થા નહીં, પરંતુ લાખો નાગરિકોના વિશ્વાસ અને તેમના આરોગ્યની આશાનું કેન્દ્ર બની છે. રાજ્યની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સૌથી મોટી અને વિશ્વસનીય સંસ્થા તરીકે કાર્યરત સિવિલ હોસ્પિટલ, અમદાવાદની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાના આંકડા તેની સેવાની સાક્ષી પૂરી રહ્યા છે.
સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ વર્ષ 2025 દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને મળેલી વિવિધ સારવાર સુવિધાઓના આંકડા આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2025માં કુલ 11,63,740 દર્દીઓએ ઓપીડી (OPD) સેવાઓનો લાભ લીધો છે, જ્યારે 1,04,840 દર્દીઓએ ઇન્ડોર (IPD) દર્દી તરીકે દાખલ થઈને સારવાર મેળવી છે.
આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતા સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, “સિવિલ હોસ્પિટલ માત્ર આંકડાઓથી નહીં, પણ લાખો દર્દીઓના સ્મિત અને સંતોષથી ઓળખાય છે. અમારો ઉદ્દેશ્ય છે કે છેવાડાના માનવીને પણ અદ્યતન ટેકનોલોજી અને માનવતાભર્યા અભિગમ સાથે શ્રેષ્ઠ સારવાર મળે. વર્ષ 2025ના આ આંકડા અમારા તબીબો અને સ્ટાફની રાત-દિવસની મહેનત અને લોકોના અતૂટ વિશ્વાસનું પરિણામ છે.”
નિદાન અને શસ્ત્રક્રિયામાં સિવિલનો સર્વોચ્ચ દેખાવ
– ગત વર્ષે રેકોર્ડબ્રેક 34,10,526 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે નિદાન ક્ષેત્રે હોસ્પિટલની સજ્જતા દર્શાવે છે.
– રેડિયોલોજી વિભાગ દ્વારા 3,98,710 એક્સ-રે, 24,292 સીટી સ્કેન અને 11,910 એમઆરઆઈ તપાસ કરવામાં આવી છે.
– સારવારની સફળતાની વાત કરીએ તો, વર્ષ દરમિયાન 54,868 સફળ ઓપરેશનો દ્વારા અનેક દર્દીઓને નવી જિંદગી મળી છે, જ્યારે 7,800 થી વધુ ડિલિવરી સુરક્ષિત રીતે કરવામાં આવી છે.
વિભાગવાર સારવારના આંકડા (વર્ષ 2025):
વર્ષ 2025 દરમિયાન સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં લાખો દર્દીઓએ સારવાર મેળવી છે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
મેડીસીન વિભાગ: હોસ્પિટલના સૌથી વ્યસ્ત ગણાતા આ વિભાગમાં 1,52,454 દર્દીઓએ ઓપીડી સેવા લીધી હતી અને 28,865 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી.
ઓર્થોપેડીક વિભાગ: હાડકાના રોગોની સારવાર માટે 1,09,837 દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા, જ્યારે 8,656 દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.
ડર્મેટોલોજી (સ્કીન) વિભાગ: ચામડીના રોગોની સારવાર માટે વર્ષ દરમિયાન કુલ 1,08,667 દર્દીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો હતો.
પીડીયાટ્રીક વિભાગ: બાળકોના આરોગ્ય માટે આ વિભાગમાં 84,772 ઓપીડી અને 18,328 જેટલા બાળકોને દાખલ કરી સારવાર અપાઈ હતી.
સ્ત્રીરોગ અને પ્રસુતા વિભાગ: આ વિભાગમાં 82,231 દર્દીઓએ ઓપીડીમાં નિદાન કરાવ્યું હતું અને 14,120 મહિલા દર્દીઓને ઇન્ડોર સુવિધા હેઠળ સારવાર મળી હતી.
સર્જરી વિભાગ: શસ્ત્રક્રિયા માટે 55,707 દર્દીઓએ ઓપીડીનો સંપર્ક કર્યો હતો અને 18,329 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.
સુપર સ્પેશિયાલિટી વિભાગોની કામગીરી:
– પીડીયાટ્રીક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરોસર્જરી તેમજ ન્યુરો મેડિસિન જેવા વિશિષ્ટ વિભાગોમાં પણ સેવાનું ઉમદા કાર્ય થયું છે.
– આ વર્ષ દરમિયાન આ તમામ સુપર સ્પેશિયાલિટી વિભાગોમાં કુલ 1,58,847 દર્દીઓએ ઓપીડીમાં બતાવ્યું હતું અને 10,858 ગંભીર દર્દીઓને દાખલ કરીને વિશેષ સારવાર પૂરી પાડવામાં આવી હતી.
અદ્યતન સુવિધાઓ, અનુભવી તબીબો અને સમર્પિત પેરામેડિકલ સ્ટાફ સાથે ટેકનોલોજીનો સમન્વય કરી સિવિલ હોસ્પિટલ આજે ‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરી રહી છે. સારવારના આ આંકડા સિવિલ હોસ્પિટલની વિશાળ ક્ષમતા અને દર્દીઓ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે.
આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
