ભારત સાથે સંબંધ તૂટશે-તો US માટે મુસીબત થશે-ટ્રમ્પના સાંસદે વ્યક્ત કરી ચિંતા
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકી કોંગ્રેસના સાંસદ અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સભ્ય રિચ મેકકોર્મિકે ભારત અને પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને પોતાની જાતને વિશ્વની એક મોટી શક્તિ તરીકે સ્થાપિત કરી રહ્યું છે. ભારતનો મધ્યમ વર્ગ આજે વિશ્વ બજાર પર પ્રભાવ પાડી રહ્યો છે. ભારત જ અમેરિકા માટે રોકાણ લઈને આવે છે.
ભારત અનેક ક્ષેત્રોમાં પ્રતિભાઓથી સમૃદ્ધ છે અને ત્યાંથી માત્ર ઉત્પાદનો જ નહીં, પરંતુ પ્રતિભાઓ પણ નિકાસ થાય છે.અમેરિકી સાંસદ મેકકોર્મિકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમેરિકા માટે ભારત રોકાણનો સ્ત્રોત છે, પરંતુ પાકિસ્તાન ન તો અમેરિકામાં રોકાણ લાવે છે અને ન તો અમેરિકા ક્્યારેય પાકિસ્તાનમાં રોકાણ કરે છે.
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, પાકિસ્તાન કરોડોની વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તમે ક્્યારેય તે દેશને અમેરિકામાં રોકાણ લાવતા જોશો નહીં. જ્યારે ભારત માત્ર રોકાણ મેળવતું જ નથી, પણ અમેરિકામાં રોકાણ લાવે પણ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતની પ્રતિભાઓ (ટેલેન્ટ)થી જ અમેરિકાની કંપનીઓ ચાલે છે અને ભારતના ઉત્પાદનોથી અમેરિકાના બજારો વિકસે છે. જો અમેરિકા ભારત જેવા દેશને પોતાનાથી દૂર ધકેલી દેશે, તો દેશને મોટી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે.
જો અમેરિકા ભારતીયોની મિત્રતાનો સ્વીકાર કરશે, તો અમેરિકામાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. જો ભારતને અમેરિકાથી અલગ કરવામાં આવશે, તો તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે જે સમગ્ર અમેરિકા માટે જોખમી હશે. નોંધનીય છે કે કોંગ્રેસ સાંસદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વેપાર અને ટેરિફ (શુલ્ક) ને લઈને અમેરિકા અને ભારત વચ્ચે થોડો તણાવ ચાલી રહ્યો છે.
