કૂતરું કરડ્યાના ૪ મહિના બાદ યુવતીને હડકવા ઉપડ્યો
કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડતા નિવૃત IASની પુત્રીનું કરુણ મોત
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં રહેતા નિવૃત અધિકારીના પરણિત પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડવાથી મોત થયું છે. મૃતક મહિલા ગાંધીનગરના જાણીતા શાળા પરિવાર સાથે જોડાયેલા હતા. શાળામાં જ ફરજ બજાવતા સિક્્યુરિટી ગાર્ડના બીગલ બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા તે દરિયામન તેણે બચકું ભર્યું હતું.
ઘા સામાન્ય હોવાથી કોઈ સારવાર લેવામાં આવી ન હતી. જે બાદ ઘટનાના ચાર મહિના બાદ મહિલાને હડકવા ઉપડ્યો હતો. ૧૫-૧૭ દિવસની સારવાર બાદ મહિલાનું મોત થતાં શાળા અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આજથી ચાર મહિના પહેલાની વાત છે, જ્યારે શાળા સાથે જોડાયેલી મહિલા સિક્્યુરિટી ગાર્ડના સ્ટાફ પાસે રહેલા બીગલ બ્રીડના ડોગ પંપાળી રહી હતી. ત્યારે અચાનક જ તેને મહિલાને બચકું ભરી લીધું હતું. પણ પાલતુ ડોગ હોવાથી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. જે બાદ ગત ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ બીગલ બ્રીડના ડોગને પણ હડકવા ઉપડ્યો હતો અને તેનું પણ મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ શાળાના સંચાલકોએ પણ તમામ વાલીઓ અને સ્ટાફને મેસેજ કરી જાણ કરી હતી કે જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફનું કોઈ માણસ બીગલ ડોગના સંપર્કમાં આવ્યું હોય તો તાત્કાલિક રસી મુકાવી દે, સ્કૂલ દ્વારા રેબીઝની રસી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઘટનાને ઘણા દિવસો વીતી ગયા હોવાથી મહિલાએ આ વાતને પણ ટાળી હતી.
પરંતુ ગત ડિસેમ્બર મહિનામાં મહિલાની તબિયત અચાનક લથડી હતી. જેથી ૩૧ ડિસેમ્બરના રોજ અમદાવાદના ભાટ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે રેબીઝના લક્ષણો જણાતા જરૂરી રિપોર્ટની તજવીજ હાથ ધરી હતી.
જેમાં મહિલાને હડકવા જેને હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેની પુષ્ટિ થઈ હતી. બાદમાં ડોકટરોએ સતત ૧૯ દિવસ સુધી હડકવા વિરોધી સારવાર કરી હતી પણ અંતે ૧૭ જાન્યુઆરીના રોજ મહિલાનું મોત થયું છે. જેના પિતાએ ગુજરાત સરકારમાં એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી હતી, તેઓ ૨૦૦૧માં નિવૃત થયા હતા.
હડકવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ મૃતદેહને સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક બેગમાં કવર કરી દેવામાં આવ્યો હતો. બાદમાં ગાંધીનગર સેક્ટર-૩૦ સ્મશાન ગૃહમાં ઇલેક્ટિÙક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટના ચેતવતી છે હડકવા પ્રાણીના કરડવાથી લાળ દ્વારા ફેલાય છે.
શ્વાન, ગાય, ઘોડા, બકરા, સસલા અને જંગલી પ્રાણીઓ જેવા કે શિયાળ, ચામાચીડિયા, કોયોટ્સ, શિયાળ અને હાયના જેવા ખેતરના પ્રાણીઓ હડકવાથી સંક્રમતિ હોય શકે છે જેથી તકેદારી રાખવી જરૂરી છે. એકવાર લક્ષણો શરૂ થઈ જાય, પછી હડકવાનો ઇલાજ થઈ શકતો નથી.
