Western Times News

Gujarati News

ઝારખંડમાં જાનૈયાઓ ભરેલી બસ પલટીઃ પાંચનાં મોત

લાતેહાર, ઝારખંડના લાતેહાર જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. છત્તીસગઢથી જાનૈયાઓને લઈને આવી રહેલી એક ખાનગી બસ ઓરસા ઘાટીમાં અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૫ મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૩૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, છત્તીસગઢના બલરામપુર જિલ્લાના મહારાજગંજ ગામથી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આશરે ૮૦ જેટલા લોકો બસમાં સવાર થઈને મહુઆડાંડા આવી રહ્યા હતા. ઓરસા ઘાટીના વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે, ચીસાચીસ સાંભળી સ્થાનિક ગ્રામીણો મદદ માટે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનો દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઘટનાની જાણ થતા જ લાતેહારના એસડીએમ બિપિન કુમાર દુબે અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મહુઆડાંડાની સરકારી હોસ્પિટલ ઘાયલોથી ભરાઈ ગઈ છે, જ્યાં સ્થાનિક ડોક્ટરોની સાથે ખાનગી ક્લિનિકના પ્રેક્ટિશનરો પણ ઈજાગ્રસ્તોની સારવાર કરી રહ્યા છે.

કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે. મુખ્યમંત્રી હેમંત સોરેને ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને જિલ્લા પ્રશાસનને પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા નિર્દેશ આપ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.