ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં ૧૮ લોકોના મોત, ૨૦ હજારથી વધુ લોકો બેઘર
નવી દિલ્હી, દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં અત્યારે કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. કોન્સેપ્સિયન પાસે આવેલા પેન્કોના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોત નીપજ્યા છે. સતત વધતી આગને જોતા સરકારે પ્રભાવિત વિસ્તારોમાં કટોકટી જાહેર કરી દીધી છે.બાયોબિયો અને નુબલે વિસ્તારોમાં આગની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અત્યાર સુધીમાં અંદાજે ૮૫૦૦ હેક્ટર જમીન પર ફેલાયેલી વન સંપદા બળીને રાખ થઈ ગઈ છે.
ભીષણ ગરમી અને તેજ પવનને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે, જેને કારણે વન્યજીવોને પણ ભારે નુકસાન થયું છે. આસપાસના ગામોમાંથી અંદાજે ૫૦,૦૦૦ લોકો પોતાનું ઘર છોડી સલામત સ્થળે જવા મજબૂર બન્યા છે, જ્યારે તંત્ર દ્વારા ૨૦,૦૦૦ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારોમાં તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. ગરમી એટલી પ્રચંડ છે કે રસ્તા પર ઉભેલી કારો પણ પીગળી રહી છે.
અનેક ચર્ચ અને મકાનો આગમાં હોમાઈ ગયા છે. આકાશ નારંગી રંગનું થઈ ગયું છે અને ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.સરકારની સૌથી મોટી ચિંતા અત્યારે જંગલની નજીક આવેલો ‘ઇન્દુરા ગેસ પ્લાન્ટ’ છે. જો આગ આ પ્લાન્ટ સુધી પહોંચશે, તો ગેસ લીકેજ અથવા ભીષણ વિસ્ફોટ થવાની પૂરેપૂરી આશંકા છે, જે મોટી જાનહાનિ નોતરી શકે છે. હાલમાં ફાયર ફાઈટરો પ્લાન્ટને બચાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.
ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે અસરગ્રસ્ત વિસ્તારોમાં આફત સામે લડવા માટે સેના અને વહીવટી તંત્રને કામે લગાડ્યું છે. હોસ્પિટલોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. તંત્રએ લોકોને સલાહ આપી છે કે તેઓ ધુમાડાથી દૂર રહે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે.SS1MS
