પાક. જેવા દેશોને સંકુચિત વિચારધારામાંથી બહાર લાવવાની સખત જરૂર છેઃ ભારત
નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ફરી એક વાર ભારતે પાકિસ્તાનની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, જેના કારણે ભારતે વૈશ્વિક મંચોનો દુરુપયોગ કરીને પોતાનો ‘વિભાજનકારી એજન્ડા’ આગળ ધપાવવાના પ્રયાસ બદલ પાકિસ્તાનનો ઉધડો લીધો હતો. ભારતે કહ્યું કે, પાકિસ્તાન જેવા દેશોને સંકુચિત વિચારધારામાંથી બહાર લાવવાની જરૂરિયાત છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં કાઉન્સેલર એલ્ડોસ મેથ્યુ પુન્નૂઝે ગુરુવારે જણાવ્યું હતું કે આત્મનિર્ણયના અધિકારનો દુરુપયોગ બહુલવાદી અને લોકશાહી દેશોમાં અલગાવવાદને પ્રોત્સાહન આપવા માટે થવો જોઈએ નહીં.
એવા સમયે જ્યારે સભ્ય દેશોએ સંકુચિત વિચારોથી ઉપર ઉઠવું જોઈએ, ત્યારે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના તમામ મંચો અને પ્રક્રિયાઓનો દુરુપયોગ કરીને પોતાનો વિભાજનકારી એજન્ડા આગળ વધારતું રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પૂર્ણ સત્રમાં ‘સંગઠન કાર્ય પર મહામંત્રીનો રિપોર્ટ’ વિષય પર નિવેદન આપતા પુન્નૂઝે જણાવ્યું, “આ મંચ પણ તેનો અપવાદ નથી અને પાકિસ્તાને ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ એવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનો અયોગ્ય રીતે ઉલ્લેખ કર્યાે છે.
આત્મનિર્ણયનો અધિકાર સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરમાં સામેલ કરાયેલો એક મૂળભૂત સિદ્ધાંત છે. જોકે, આ અધિકારનો દુરુપયોગ બહુલવાદી અને લોકશાહી દેશોમાં અલગાવવાદને પ્રોત્સાહન આપવા માટે થવો જોઈએ નહીં. પાકિસ્તાને આધારવિહોણા આક્ષેપો અને જૂઠનો આશરો લેવાની તેની આદત છોડવી જોઈએ અને વાસ્તવિકતાથી દૂરનું ચિત્ર રજૂ કરવાથી બચવું જોઈએ.”
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત આસિમ ઇફ્તિખાર અહમદે મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યા બાદ ભારતે આ કડક પ્રતિભાવ આપ્યો છે. પાકિસ્તાન વારંવાર સંયુક્ત રાષ્ટ્ર અને તેના વિવિધ મંચો પરથી જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે, પરંતુ આ મામલે તેને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી ખાસ કોઈ સમર્થન મળ્યું નથી.SS1MS
