Western Times News

Gujarati News

ગ્રીનલેન્ડથી EUએ પાછી બોલાવી સેના, હજુ ૮ દેશો મક્કમ-અમેરિકા V/s યુરોપઃ ટેરિફ લાગતાં જ ગભરાયું જર્મની!

ટ્રમ્પે ગ્રીનલેન્ડ ખરીદવાની પોતાની જીદ પૂરી કરવા માટે યુરોપના ૮ દેશો પર ૧૦% ટેરિફ લાદવાની જાહેરાત કરી

જર્મની,  ગ્રીનલેન્ડના મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે સર્જાયેલો તણાવ હવે ગંભીર આર્થિક અને સૈન્ય સંઘર્ષમાં પરિવર્તિત થઈ રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ ખરીદવાની પોતાની જીદ પૂરી કરવા માટે યુરોપના ૮ દેશો પર ૧૦% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દેશોમાં ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુકે, નેધરલેન્ડ અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે.

ટ્રમ્પે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ૧ ફેબ્રુઆરીથી ૧૦% ટેરિફ લાદ્યા બાદ પણ ગ્રીનલેન્ડના મુદ્દે સમજૂતી નહીં થાય, તો ૧ જૂનથી આ ટેરિફ વધારીને ૨૫% કરી દેવામાં આવશે. આ ઈતિહાસમાં પ્રથમ ઘટના છે જ્યારે કોઈ અમેરિકન પ્રમુખએ જમીન ખરીદવા માટે પોતાના જ નાટો (NATO) સહયોગીઓ વિરુદ્ધ આર્થિક પ્રતિબંધોનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હોય.

અમેરિકાના આ ભારે દબાણની પ્રથમ અસર જર્મની પર જોવા મળી છે. મીડિયા અહેવાલ અનુસાર, જર્મનીએ ગ્રીનલેન્ડમાંથી પોતાની સૈન્ય ટુકડી પાછી ખેંચવાનું શરૂ કરી દીધું છે. જર્મનીના ૧૫ સૈનિકો સિવિલિયન ફ્લાઇટ દ્વારા પરત ફરી રહ્યા છે, જેને ટ્રમ્પની ધમકી બાદ ડેમેજ કંટ્રોલ તરીકે જોવામાં આવે છે.

જર્મનીની અર્થવ્યવસ્થા પહેલેથી જ નબળી હોવાથી તે અમેરિકા સાથે ટ્રેડ વોર કે સૈન્ય સંઘર્ષનું જોખમ ઉઠાવવા માંગતું નથી. જોકે, અન્ય યુરોપીયન દેશો હજુ પણ પોતાની મક્કમતા બતાવી રહ્યા છે અને આર્કટિક ક્ષેત્રમાં ફાઈટર જેટ્‌સ તથા સૈન્ય સજ્જતા જાળવી રાખી છે.

બીજી તરફ, યુરોપીયન યુનિયન(ઈેં)ના નેતૃત્વએ ટ્રમ્પ સામે ઝૂકવાનો સાફ ઈન્કાર કર્યો છે. ઈેંના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયેને સ્પષ્ટ કર્યું છે કે, યુરોપ પોતાની સંપ્રભુતા જાળવી રાખવા માટે એકજૂથ છે અને આવા ટેરિફ ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધોને નબળા નહી પાડી શકે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ પીએમ કીર સ્ટારમરે પણ ટ્રમ્પના આ વલણને અસ્વીકાર્ય ગણાવ્યું છે.

તેમનું કહેવું છે કે મિત્ર દેશો પર આવી ધમકીઓ આપવી તે નાટોની સામૂહિક સુરક્ષાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ વિવાદમાં સૌથી મોટો ખતરો રશિયા અને ચીન તરફથી હોવાનું ઈયુની વિદેશ નીતિના વડા કાજા કૈલાસે જણાવ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જ્યારે અમેરિકા અને યુરોપ જેવા બે જૂના મિત્રો લડે છે, ત્યારે તેનો સીધો ફાયદો રશિયા અને ચીનને મળે છે. આ સંઘર્ષ યુક્રેન યુદ્ધ પરથી પણ ધ્યાન ભટકાવી રહ્યો છે.

હવે આખી દુનિયાની નજર ૧ ફેબ્રુઆરી પર છે. જો ટ્રમ્પ ખરેખર ટેરિફ લાગુ કરશે, તો પશ્ચિમી દેશોની એકતામાં મોટું ગાબડું પડી શકે છે અને વિશ્વ વ્યવસ્થામાં એક અસ્થિરતાનો નવો યુગ શરૂ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.