Western Times News

Gujarati News

ગાઝામાં ‘શાંતિદૂત’ બનશે ભારત- પાકિસ્તાનને પણ આમંત્રણ? શું ભારત ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાશે?

File

ગાઝામાં ‘શાંતિદૂત’ બનશે ભારત -ટ્રમ્પનું મોદીને ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવવા આમંત્રણ

આ બોર્ડ ૧૫ જાન્યુ.ના રોજ ટ્રમ્પની ૨૦ પોઈંટવાળી શાંતિ યોજનાના બીજા ચરણ હેઠળ બનાવવામાં આવ્યું

(એજન્સી)વોશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવવા આમંત્રણ આપ્યું છે. આ બોર્ડનો હેતું ગાઝામાં શાંતિ, પુનઃ નિર્માણ અને નવી શાસન વ્યવસ્થાને આગળ વધારવાનો છે.

આ બોર્ડ ૧૫ જાન્યુઆરીના રોજ ટ્રમ્પની ૨૦ પોઈંટવાળી શાંતિ યોજનાના બીજા ચરણ હેઠળ બનાવવામાં આવ્યું છે. બોર્ડનું મુખ્ય કાર્ય ગાઝાને હથિયારોથી મુક્ત કરી ત્યાં માનવતાવાદી સહાય પહોંચાડવા, નાશ પામેલા માળખાનું પુનર્નિર્માણ કરવા અને ટેકનિકલ પેલેસ્ટિનિયન વહીવટ સ્થાપવાનું છે. દેખરેખ નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા દ્વારા કરવામાં આવશે, જેનું નેતૃત્વ પેલેસ્ટાઈનના ભૂતપૂર્વ અધિકારી અલી શાથ કરી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યું છે કે અત્યાર સુધીનું સૌથી મહાન અને પ્રતિષ્ઠિત બોર્ડ છે, બોર્ડની કાર્યકારી સમિતિમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ(વિદેશ મંત્રી) માર્કાે રુબિયો, પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર, ટ્રમ્પના જમાઈ અને સલાહકાર જેરેડ કુશનર, ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગા, અબજોપતિ ઉદ્યોગપતિ માર્ક રોવન અને સલાહકાર રોબર્ટ ગેબ્રિયલનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે ટ્રમ્પે ગાઝા બોર્ડ ઓફ પીસ માટે દુનિયાના ઘણા નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં આર્જટીનાના રાષ્ટ્ર પ્રમુખ જેવીયર મિલેઈએ સાર્વજનિક રૂપે સ્વીકાર કરી તેને સન્માન ગણાવ્યું છે, તો કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, તુર્કીયેના રાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દાેગન અને ઇજિપ્તના રાષ્ટ્ર પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સિસીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વડા પ્રધાન શાહબાઝને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અઠવાડિયે યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગાઝા બોર્ડ ઓફ પીસ પર ખાસ ચર્ચા થવાની પણ સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.