ભાજપની સ્થાપનાના ૪૫ વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન
અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કુશાભાઉ ઠાકરે, બંગારુ લક્ષ્મણ જેવા ૧૧ દિગ્ગજોએ આ કમાન સંભાળી ચૂક્યા છે.
(એજન્સી)નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં નીતિન નબીન બિનહરીફ ચૂંટાયા છે. સોમવારે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા થઈ હતી. જેમાં નીતિન નબીને ઉમેદવારી નોંધાવી હતી.
તે સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તેઓ પ્રમુખ પદનો કાર્યભાર સંભાળશે. Nitin Nabin is set to take charge as the BJP national president Tuesday. 20-01-2026
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને સિલેક્ટ કરવાનું શું છે કારણ?
ભારતના ૩૦ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની ચૂંટણી બાદ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પ્રમુખ પદ માટે નીતિન નબીનના પક્ષમાં ૩૭ સેટ પ્રાપ્ત થયા. ૩૬ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પરદેશો તથા ૧ સેટ સંસદીય દળ તરફથી આપવામાં આવ્યું હતું. દરેક સેટમાં ૨૦-૨૦ પ્રસ્તાવકના હસ્તાક્ષર લેવાયા હતા.
નોંધનીય છે કે નીતિન નબીન બિહારના ધારાસભ્ય છે અને વર્ષ ૨૦૧૦થી બાંકીપુર વિધાનસભા બેઠક પરથી સતત જીતી રહ્યા છે. અગાય તેઓ પટના પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી વિજયી થયા હતા. તેઓ ભાજપના ૧૨માં રાષ્ટ્રીય પ્રમુખ બન્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ, બિહારના નેતા નીતિન નબીને ભાજપના ૧૨માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેમની બિનહરીફ વરણી લગભગ નક્કી છે.
જો કે, નીતિન નબીનના નામની સત્તાવાર જાહેરાત ૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કરાશે. ૪૫ વર્ષીય નીતિન નબીન ભાજપના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. અગાઉ આ રેકોર્ડ અમિત શાહ (૪૯ વર્ષ) અને નીતિન ગડકરી (૫૨ વર્ષ) ના નામે હતો.
ભાજપની સ્થાપનાના ૪૫ વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કુશાભાઉ ઠાકરે, બંગારુ લક્ષ્મણ જેવા ૧૧ દિગ્ગજોએ આ કમાન સંભાળી ચૂક્યા છે. એ રીતે પણ નીતિન નબીનનું રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું ખૂબ મહત્ત્વનું છે.
ભાજપે એક કાયસ્થ જ્ઞાતિના યુવા નેતાને ટોચનું પદ આપીને એવો સંદેશ આપ્યો છે કે, ભાજપમાં જ્ઞાતિના સમીકરણો કરતા સંગઠનાત્મક ક્ષમતા અને કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ અપાય છે. નીતિન નબીનના નામનો પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓએ મૂક્યો છે, જે પક્ષમાં તેમના વધતા કદ અને વિશ્વાસને દર્શાવે છે. ભાજપે ડિસેમ્બરમાં નીતિન નબીનને ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનાવીને સૌને ચોંકાવી દીધા હતા.
