યુવાનનું ચાર મિત્રોએ જમવા બાબતે મારામારી કરી મોત નિપજાવ્યું
AI Image
પોલીસે ચારેય મિત્રોની ધરપકડ કરી હત્યાનો ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના દાંડા ગામે રહેતા પાંચ મિત્રોની જમવા બાબતે મારામારી થતા એક મિત્રને માથામાં કોઈ વસ્તુ મારી તેને બેભાન અવસ્થામાં તેના ઘરે મૂકી જતા રહ્યા હતા.
પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં માથામાં ભાગે ઇજા થયાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તેમજ હત્યારાઓને બનાવવાળી જગ્યાએ સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકસન કર્યું હતું.
આમોદ તાલુકાના દાંડા ગામે રહેતો વિષ્ણુભાઈ પ્રવિણ વસાવાની ૧૪ મી તેમજ ૧૫ મી જાન્યુઆરીના દાંડા ગામના જ ચાર મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવિણ વસાવા, ભૂમિત અરવિંદ વસાવા, અલ્પેશ ચંદુ વસાવા તથા કનુ ચંદુ વસાવાએ માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવેની ઉપર ઈંડાની લારીએ તથા એક્સપ્રેસ હાઈવેના બ્રીજની બાજુ સાપા ગામ તરફ તથા ઓછણ ગામ બાજુ અલગ અલગ જગ્યાએ વિષ્ણુ વસાવાને જમવા બાબતે ઝઘડો કરી
નાની મોટી ઈજાઓ પહોંચાડી તેમજ માથામાં જમણી બાજુ કોઈ વસ્તુ મારી મરણ જનારના પિતાની ગેરહાજરીમાં તેના ઘરે બેભાન અવસ્થામાં મૂકી જઈ નાશી ગયા હતા.ત્યાર બાદ ૧૫ મી જાન્યુઆરીના રોજ તેના પિતા હલદરવા ગામેથી ઘરે આવતા તેના પુત્રને બેભાન અવસ્થામાં જોયો હતો જેથી તેને આસપાસના લોકોની મદદથી સૌપ્રથમ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયા હતા.ત્યાર બાદ ભરૂચ સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો.
જયા ૧૭ મી જાન્યુઆરી ના રોજ સવારે ચાર કલાકે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.જે બાદ તેની લાશને આમોદ તાલુકાના દાંડા ગામે તેના ઘરે નિશાળ ફળિયા નવીનગરી ખાતે લાવવામાં આવી હતી.ત્યાર બાદ તેના મોત અંગે તેના પિતા પ્રવીણ અમરસંગ વસાવાને શંકા જતા તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી.
જેથી આમોદ પોલીસે તુરંત દાંડા ગામે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતક વિષ્ણુ પ્રવીણ વસાવાની લાશને ૧૭ મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે ભરૂચ સીવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.
આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ મોત થતા પોલીસે ભરૂચ સીવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.ત્યાર બાદ ૧૮ મી જાન્યુઆરીના રોજ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પુત્રનું મોત માથામાં ઈજા થવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે દાંડા ગામના ચારેય મિત્રોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
