નડિયાદ BAPS મંદિર ખાતે પૂર્વ સૈનિકોના પરિવાર માટે સૈનિક સંમેલન કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ કચેરી, વડોદરા દ્વારા ખેડા જિલ્લામાં વસતા પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ સૈનિક સંમેલનનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમ અંતર્ગત ફરજ દરમિયાન શહીદ થયેલ સૈનિકો માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તથા સિપાહી સ્વ. શ્રી મોહનભાઈ મણીલાલ વાઘેલા, હવાલદાર દિનેશકુમાર યાદવ, સિપાઈ , હરિશકુમાર પરમાર, લાન્સ નાયક વિજયસિંહ ગણપતસિંહ પરમાર, મનોજકુમાર પુરસોતમદાસ ગોહેલ, સિપાઈ તળપદા વિશ્રામભાઈ, શૈલેષભાઈ અંબાલાલ પટેલ, હિતેશકુમાર બુધાભાઈ પરમાર અને લાન્સ નાયક દિલીપસિંહ રાયજીભાઈ ચૌહાણના પરિવારજનોને શાલ ઓઢાડી અને ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું કે, માજી સૈનિકોએ પરિવારજનો થી દૂર રહી દેશ માટે તેમની જવાની સર્મપિત કરી છે ત્યારે આ નિવૃતિ બાદ આ સૈનિકો તથા તેમના પરિવારજનો એ જ સન્માનથી જીવી શકે એવું વાતાવરણ જિલ્લામાં તૈયાર કરવામાં આવશે. જ્યારે સૈનિકોએ દેશ માટે વિશેષ સેવાઓ આપી છે
તેઓ પણ વિશેષ સેવાનાં હકદાર છે. જિલ્લામાં સૈનિકોને અને તેમના પરિવારજનોને સરકારી કચેરીઓમાં કોઈ કામ કાજ હેતુ ક્યાંય લાઈનમાં નહીં ઉભું રહેવું પડે. રેવન્યુ, લીગલ કે કલ્યાણકારી યોજનાઓના લાભ અપાવવા જિલ્લા વહીવટી તંત્ર એક પરિવાર તરીકે સૈનિકોની સેવા માટે ૨૪ટ૭ કલાક ઉપલબ્ધ રહેશે એમ જિલ્લા કલેક્ટરશ્રીએ ખાતરી આપી હતી. સાથે જ જિલ્લાના યુવાનોને પણ સૈનિકોમાંથી પ્રેરણા લઈ ફિટ રહેવા અને દેશની સુરક્ષામાં જોડાવા અપીલ કરી હતી.
કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકારશ્રી તથા રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય તરફથી પૂર્વ સેનિકો/દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આ સંમેલનમાં આપવામાં આવી.
સૈનિકોના પરિવારજનો માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વાજપાઈ બેન્કેબલ યોજના, અનુબંધન પોર્ટલ, જન સેવા કેન્દ્ર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ સૈનિકો અને તેમના પરિવારજનોને માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું.
