બાપ દીકરો દીપડાના નખ તેમજ મૂછના વાળ જેવા અવયવો કોને વેચાવાના હતા?
સીંગવડ તાલુકાના સરજુમી ગામના જંગલમાં દીપડાની હત્યા -દીપડાની હત્યા બાદ અવયવો ચોરાયા હોવાનો ખુલાસોઃ બે આરોપીઓની ધરપકડ
(પ્રતિનિધિ) દાહોદ, સરજુમી બીટના તો ફોફણ ગામના અનામત જંગલ વિસ્તારમાં માદા દીપડાની લાશ મળી આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં મૃતક માદા દીપડાના અવયવો જેવા કે આગલા જમણા અને ડાબા પગના નખો અને ૨૭ જેટલા મૂછના વાળ દાતરડાથી કાપી ચોરીને લઈ ગયાનો ચોંકાવનારો ખુલાસો
થતા એક્શનમાં આવી ગયેલ દેવગઢ બારીયા વન વિભાગના અધિકારી/કર્મચારીઓએ ગણતરીના કલાકોમાં જ આ જઘન્ય ગુનાહિત કૃત્ય કરનારા બે આરોપીઓને ઝડપી પાડી તેઓની પાસેથી વન્ય પ્રાણીના ચોરાયેલા અવયવોની સાથે સાથે ઉપયોગમાં લીધેલ હથિયાર પકડી પાડી કબજે લઈ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું વન વિભાગ દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર બારીયા વન વિભાગના કાર્ય ક્ષેત્ર હેઠળની સરજુમી રેન્જની સરજુમી બીટના તોફાન ગામે અનામત જંગલ વિસ્તારમાં પરમ દિવસ તારીખ ૧૬ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની અનુસૂચિ-૧ માં સમાવિષ્ટ અને આ કાયદા હેઠળ રક્ષણ અપાયેલ એવા વન્ય પ્રાણી આશરે પાંચ વર્ષની ઉંમરની મૃત દીપડા માદા મૃત હાલતમાં મળી આવતા,
ગ્રામજનોએ આ અંગેની જાણ દેવગઢબારિયા વન વિભાગને કરતાં વન વિભાગના અધિકારી/કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ કરતા મૃત હાલતમાં મળી આવેલ દીપડા માદાનો કોઈએ શિકાર કરી તેના આગળના ડાબા તથા જમણા પગના નખ નંગ-૮ તથા અડધો નખ તેમજ તેની મૂછના વાળ નંગ-૨૭ દાતરડાથી કાપીને તે લોકો ચોરીને લઈ ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા વન વિભાગની ટીમ એક્શનમાં આવી હતી.
અને વડોદરા વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડૉ.સંદીપકુમારના માર્ગદર્શન મુજબ અને બારીયાના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલના નિરીક્ષણ હેઠળ તેમજ મદદનીશ વન સંરક્ષક દાહોદ કે એન ખેર, આર. એફ.ઓ સરજુમી ડી બી બારીયા તથા આર.એફ.ઓ. રંધીકપુર એમ એન પ્રજાપતિની આગેવાનીમાં જુદી જુદી ટુકડીઓ બનાવી સઘન તપાસ હાથ ધરી ગ્રામજનોની પૂછપરછ કરી આરોપીઓનું પગેરૂ મેળવી ગણતરીના કલાકોમાં જ સરજુમી ગામના વાવડી ફળિયામાં રહેતા
૭૯ વર્ષીય ધુળાભાઈ ધનાભાઈ હઠીલા તથા તેના પુત્ર ૪૨ વર્ષીય બાબુભાઈ પટેલ ધુળાભાઈ હઠીલાને પકડી પાડી તેઓના ઘરની તલાસી લેતાં ઘરમાંથી માદા દીપડાના આઠ જેટલા આખા નખ અને એક અડધો નખ તેમજ ૨૭ નંગ જેટલા મૂછના વાળ તેમજ દાતરડું સહિતના હથિયારો મળી આવતા વન વિભાગની ટીમે તે તમામ મુદ્દામાલ પકડી પાડી કબજે લીધો હતો.
અને બંને આરોપી બાપ દીકરા વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ ૨(૩૧) ,૨(૩૨), ૨(૩૫), ૨(૩૬),૩૯,૪૦,૫૧,૫૨ મુજબનો ગુનો દાખલ કરી બંને આરોપી બાપ દીકરાને લીમખેડા કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરી છે.
આ બંને બાપ દીકરાએ દીપડાનો શિકાર પ્રથમવાર જ કર્યો છે? કે પછી અગાઉ પણ કરી ચૂક્યા છે? અને દીપડાના નખ તેમજ મૂછના વાળ જેવા અવયવો કોણે વેચાણ કરવાના હતા? આ રેકેટમાં અન્ય કોઈપણ સામેલ છે કે નહીં? તે તમામ બાબતે પૂછપરછ હાથ ધરી છે.
