ભાવ વધારાનો લાભ લેવા સોના-ચાંદીના વેપારીઓએ કોપરની લગડી તૈયાર કરી
AI Image
સોના અને ચાંદીની માફક હવે કોપરનું પણ જ્વેલર્સ દ્વારા વેચાણની શરૂઆત
સુરત, છેલ્લા પાંચ મહિનામાં કોપરના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે હવે બુલિયન ધારકોએ કોપરની પણ લગડી બનાવીને વેચવાનું શરૂ કર્યું છે. તેના કારણે જવેલર્સે પણ હવે સોના-ચાંદીની સાથે કોપરની પણ લગડી વેચવા માટેની કવાયત હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી છે.
સોના અને ચાંદીના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે હાલમાં મોટાભાગના જ્વેલર્સને પૂરતો વેપાર મળી રહેતો નથી. તેમાં પણ લગ્નસરા સહિતની સિઝનમાં પણ ગ્રાહકો પાસે રહેલા જૂના દાગીના તોડાવીને નવા બનાવી રહ્યા છે,
કારણ કે સોના અને ચાંદીના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને ધ્યાને રાખીને સામાન્ય માણસ માટે તો હવે સોના-ચાંદીની ખરીદી કરવી એક સ્વપ્ન જેવું થઈ ગયું છે, કારણ કે તેના ભાવમાં એક જ દિવસમાં ૧૦ હજાર રૂપિયા સુધીનો વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ કારણોસર મોટાભાગના લોકો સોના-ચાંદીમાં રોકાણ કરીને સારી એવી કમાણી કરવાનો વેપાર છેલ્લા થોડા સમયથી વધી ગયો છે તેની સાથે સાથે કોપરના ભાવમાં પણ છેલ્લા પાંચ મહિનામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે,
કારણ કે એક સમયે ૯૩૦ રૂપિયા કિલોના ભાવે વેચાણ થતા કોપરનો ભાવ હાલમાં એમસીએકસમાં ૧૩૦૦ રૂપિયાની આસપાસ પહોચી ગયો છે. જેથી છૂટક વેચાણમાં ૧૭૦૦ રૂપિયા પ્રતિ કિલોએ વેચાણ કરવામા ંઆવી રહ્યું છે. કોપરના ભાવમાં થઈ રહેલા વધારાનો લાભ લેવા માટે બુલિયન વેપારીઓ મેદાને પડ્યા છે.
પહેલાના સમયમાં સોના અને ચાંદીની જ લગડીઓ બજારમાં જોવા મળતી હતી પરંતુ કોપરના ભાવમાં થયેલા વધારાના કારણે કોપરની લગડી પણ વેચાણ માટે બુલિયન ધારકોએ રજૂ કરી છે. તેઓ દ્વારા એક કિલોથી લઈને ૪૦ કિલો સુધીની લગડી તૈયાર કરીને બજારમાં વેચવા માટે મૂકી હોવાની હકીકતો જાણવા મળી છે. જોકે તેમાં પણ રોકાણ કરનારાઓ દ્વારા જ મોટાભાગે એક કિલોથી લઈને ૪૦ કિલો સુધીની લગડીની માંગણી કરી રહ્યા છે.
