વીરપુરના ઠાકોર-કોળી વિકાસ નિગમની લોન શરતોમાં સુધારા કરવાની માંગ
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) વીરપુર તાલુકાના ઠાકોર-કોળી સમાજના લાભાર્થીઓ માટે ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી લોનની શરતોમાં સુધારા કરવાની માંગ ઉઠી છે. આ બાબતે મામલતદાર સાહેબ, કચેરી વીરપુર, જી. મહીસાગરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનમાં જણાવ્યા મુજબ, ઠાકોર-કોળી વિકાસ નિગમ દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકો માટે આપવામાં આવતી લોન સહાય લાભદાયી છે, પરંતુ હાલ લોન માટે પ્રોપર્ટી કાર્ડ અથવા ૭/૧૨ દસ્તાવેજની શરત ફરજિયાત કરવામાં આવતા અનેક સાચા લાભાર્થીઓ લોનથી વંચિત રહી રહ્યા છે. અગાઉના વર્ષોમાં ગ્રામ પંચાયત તલાટી-કમ-મંત્રીએ આપેલા દાખલાના આધારે લોન આપવામાં આવતી હતી.
ઠાકોર-કોળી સમાજના મોટા ભાગના લોકો આર્થિક રીતે નબળા હોવાથી તેમની પાસે પ્રોપર્ટી કાર્ડ ન હોવા ઉપરાંત બેંકની કડક શરતો પણ મોટી અડચણરૂપ સાબિત થઈ રહી છે. પરિણામે લોન યોજનાનો લાભ ગણતરીના લોકો સુધી સીમિત રહી ગયો છે, જે ગંભીર ચિંતા જનક બાબત બની છે.
આથી આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ઠાકોર-કોળી વિકાસ નિગમની લોન માટે તાલુકા સ્તરે નિયમોમાં યોગ્ય સુધારો કરવામાં આવે, તલાટી-કમ-મંત્રીએ આપેલા દાખલાને માન્ય રાખવામાં આવે તેમજ અગાઉ લોનથી વંચિત રહેલા તમામ લાભાર્થીઓને ફરી એક વખત ફોર્મ ભરવાની તક આપવામાં આવે.
લાભાર્થીઓએ પ્રશાસન સમક્ષ આશા વ્યક્ત કરી છે કે સહાનુભૂતિપૂર્વક અને સમાજની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવાશે, જેથી ઠાકોર-કોળી સમાજના ગરીબ અને પછાત વર્ગને સાચો લાભ મળી શકે.
