ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાંડા ગામે યુવાનનું શંકાસ્પદ મોત
અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાંડા ગામે ૨૬ વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થયું છે. ૧૫ મી જાન્યુઆરીના રોજ ઘરે પરત ફર્યા બાદ અચાનક બેભાન થઈ ગયા બાદ હોસ્પિટલ લઇ જવાયો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૧૭મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે મોત નીપજ્યું હતું.
આમોદ પોલીસે આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, દાંડા ગામના નિશાળ ફળિયા નવીનગરી વિસ્તારમાં રહેતા વિષ્ણુ પ્રવીણ વસાવા ૧૫મી જાન્યુઆરીના રોજ ઘરે પરત ફર્યા બાદ અચાનક બેભાન થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને આમોદ સરકારી દવાખાને ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૧૭મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે લગભગ ચાર વાગ્યે વિષ્ણુનું મોત થયું હતું. તેમના અવસાન બાદ મૃતદેહને વતન દાંડા ગામે લાવવામાં આવ્યો હતો. જોકે, યુવાનના પિતા પ્રવીણ અમરસંગ વસાવાને પુત્રના મોત અંગે શંકા જતાં તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી.ફરિયાદ મળતાની સાથે જ આમોદ પોલીસ દાંડા ગામે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહને સાંજના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. પેનલ પોસ્ટમોર્ટમ દ્વારા મોતના સાચા કારણ અંગે સ્પષ્ટતા મેળવવામાં આવશે.SS1MS
