ડિપોઝિટ પરત ન મળતા મકાન માલિક સામે ઠગાઈની ફરિયાદ
અમદાવાદ, ઇસનપુર નજીક આવેલા શાહઆલમ વિસ્તારમાં ભાડેથી રહેતા એક યુવકે મકાન માલિકને ડિપોઝિટ પેટે રૂ. ૨.૨૦ લાખ ચૂકવ્યા હતા. આશરે છ મહિના અગાઉ કોઈ કારણોસર ટોરેન્ટ પાવર કંપનીએ વીજ પુરવઠો બંધ કરી મીટર પણ દૂર કરી લીધું હતું. ત્યારબાદ મકાન માલિકના કહેવા મુજબ ભાડૂઆત યુવક પરિવાર સાથે અન્ય મકાનમાં ભાડેથી રહેવા ગયો હતો. તે સમયે અગાઉ ચૂકવેલી ડિપોઝિટ પરત માગતા મકાન માલિકે રોજબરોજ અલગ-અલગ બહાના બતાવ્યા હતા.
લગભગ છ મહિના જેટલો સમય વીતી જવા છતાં પણ ડિપોઝિટના રૂપિયા પરત ન મળતા અંતે ભાડૂઆતે મકાન માલિક વિરુદ્ધ ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવી છે.દાણીલીમડાની મોહમદી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને શાહપુરમાં ગેરેજનું કામકાજ કરતા ૩૩ વર્ષીય ઇરફાન શેખે આજથી અઢી વર્ષ અગાઉ મિત્ર મારફતે ઇસનપુરના શાહઆલમ વિસ્તારમાં આવેલું એક મકાન ભાડેથી લીધું હતું.
મકાન માટે એક વર્ષનો ભાડા કરાર થયો હતો અને ડિપોઝિટ પેટે રૂ. ૨ લાખ ચૂકવવામાં આવ્યા હતા. બાદમાં બીજા વર્ષે ભાડા કરાર રિન્યુ કરાવવા માટે મકાન માલિકે વધારાના રૂ. ૨૦ હજારની માગણી કરતા ઇરફાન શેખે તે રકમ પણ ચૂકવી હતી.આજથી આશરે છ મહિના પહેલા મકાનની વીજળી અચાનક બંધ થઈ ગઈ હતી અને બીજા દિવસે ટોરેન્ટ પાવર કંપનીના કર્મચારીઓ આવી મીટર પણ લઈ ગયા હતા.
જેના કારણે ઇરફાન શેખ અને તેમના પરિવારને રહેવામાં ભારે અસુવિધા થવા લાગી હતી. આ બાબતે મકાન માલિક કુરબાનહુસેન પઠાણને જાણ કરતાં તેમણે થોડા સમય માટે અન્ય મકાન ભાડેથી રાખીને રહેવા સૂચન કર્યું હતું તેમજ ભાડા પેટેના રૂપિયા પણ આપ્યા હતા. તે દરમિયાન ઇરફાન શેખે પોતાની રૂ. ૨.૨૦ લાખની ડિપોઝિટ પરત માગતા મકાન માલિકે થોડા દિવસોમાં રકમ પરત આપી દેવાની ખાતરી આપી હતી.
જોકે લાંબો સમય વીતી જવા છતાં પણ ડિપોઝિટની રકમ પરત ન મળતા ઇરફાન શેખે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં કુરબાનહુસેન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ઠગાઈનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.SS1MS
