લોકો લોહીલુહાણ હતા અને તથ્યના પિતા ઝઘડો કરી તેને ભગાડી ગયા
અમદાવાદ, અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસમાં ન્યાયિક પ્રક્રિયા તેજ બની છે. ત્યારે તથ્ય પટેલ સામે વધુ એક સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી. કોર્ટમાં સાક્ષીએ જણાવ્યું હતું કે, ઘટના બાદ ત્યાં લોકો લોહીલુહાણ હાલતમાં હતા. ત્યારે રાત્રે તથ્યના પિતા ફોર્ચ્યુનર ગાડી લઇને આવ્યા હતા અને લોકો સાથે ઝઘડો કરી તેને ત્યાંથી લઇ ગયા હતા. આ ઉપરાંત સાક્ષીએ તથ્ય પટેલને કોર્ટ સમક્ષ ઓળખી બતાવ્યો હતો.
આ કેસમાં સાત સાક્ષીઓની જુબાની થઇ છે અને તમામે તથ્યને ઓળખી બતાવી ફીટ જુબાની આપી છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજવામાં આવશે. ઇસ્કોન બ્રિજ પર ૧૪૧.૨૭ કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી નાંખી મોતને ઘાટ ઉતારવા ચકચારભર્યા કેસમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.
ત્યારે આ કેસમાં સાક્ષી દિલીપભાઈ વિઠ્ઠલભાઈ ચાવડા કોર્ટમાં જુબાની માટે હાજર રહ્યાં હતા. તેમની જુબાની મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ લીધી હતી. જેમાં સાક્ષીએ જણાવ્યું હતું કે, ૧૯ જુલાઇ ૨૦૨૩ના રોજ હું મારા મિત્ર અલ્પેશભાઈ તથા વિષ્ણુભાઈ સાથે અમારી સ્કોર્પિયો ગાડી લઈને અમદાવાદ કામ અર્થે આવ્યા હતા.
રાત્રિના આશરે ૧-૧૫ વાગ્યાના સુમારે અમે ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતા હતા. તે સમયે ઇસ્કોન બ્રિજ પર અગાઉ એક થાર ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયેલ હોય, ત્યાં પોલીસ તથા લોકોનું ટોળું એકઠું થયેલું હતું.
અમે પણ અમારી ગાડી સાઈડમાં ઊભી રાખી શું થયું છે તે જોવા માટે ઊભા રહ્યા હતા.સાક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ત્યાં ઊભા હતા તે દરમિયાન અચાનક રાજપથ ક્લબ તરફથી એક જગુઆર ગાડી અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી હતી અને ત્યાં ઉભેલા લોકો તથા પોલીસ કર્મચારીઓ ઉપર સીધી જ ચઢી ગઈ હતી. આ ગાડીની સ્પીડ એટલી વધારે હતી કે જોતજોતામાં અનેક લોકો હવામાં ફંગોળાયા હતા.
અકસ્માત સર્જીને આ જગુઆર ગાડી થોડે દૂર જઈને ઊભી રહી હતી. તેમાંથી એક યુવક નીચે ઉતરેલ જેને લોકોએ પકડી પાડેલ. મેં પણ નજીક જઈને જોયેલું, જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ તથ્ય પટેલ હોવાનું જણાવેલું. ત્યારબાદ થોડીવારમાં એક કાળા રંગની ફોર્ચ્યુનર ગાડી ત્યાં આવેલી અને તેમાંથી ઉતરેલા માણસે લોકો સાથે ઝઘડો કરી તથ્ય પટેલને ગાડીમાં બેસાડીને ત્યાંથી ભગાડી ગયેલ. પાછળથી જાણવા મળેલ કે તે વ્યક્તિ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ હતા.
આ અકસ્માતમાં મેં નજરે જોયું કે સ્થળ પર લોહીલુહાણ હાલતમાં લોકો પડ્યા હતા અને અત્યંત ગંભીર દ્રશ્યો હતા. આ ઉપરાંત સાક્ષીએ તથ્ય પટેલને પણ ઓળખી બતાવ્યો હતો.SS1MS
