ફ્રાન્સ અને કેનેડા ટ્રમ્પની સામે પડ્યાઃ ગાઝા “બોર્ડ ઓફ પીસ”માં સામેલ થવા ઈનકાર
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષી ‘ગાઝા બોર્ડ ઓફ પીસ’ યોજનાને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને આ બોર્ડમાં સામેલ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આ બોર્ડને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે તે માનવામાં આવે છે. આ ઉપરાંત બોર્ડની સ્થાયી સદસ્યતા માટે એક બિલિયન ડૉલર (આશરે ૯૦૦૦ કરોડ રૂપિયા)ની ફી પણ વિવાદના કેન્દ્રમાં છે. એક રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ દાવોસમાં આયોજિત કાર્યક્રમમાં આ બોર્ડ પર હસ્તાક્ષર કરાવવા માંગતા હતા.
પરંતુ ફ્રાન્સના ઇનકારથી તેમની યોજના પર પાણી ફરી વળ્યું છે. આ નિર્ણયથી નારાજ થઈને ટ્રમ્પે ફ્રાન્સની વાઇન અને શેમ્પેન પર ૨૦૦ ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી દીધી છે. મેક્રોન પર કટાક્ષ કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘કોઈ પણ તેને નથી ઇચ્છતું, કારણ કે તે ટૂંક સમયમાં ઓફિસમાંથી બહાર થવાના છે. હું તેની વાઇન અને શેમ્પેન પર ૨૦૦ ટકા ટેરિફ લગાવીશ અને તે સામેલ થઈ જશે.’
સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે આ બોર્ડ યુએનએસસીના પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી શકે છે. જો મેક્રોન આમંત્રણ નકારી કાઢે છે, તો તેની અસર યુરોપના અન્ય ઘણાં દેશોના નેતાઓના નિર્ણય પર પણ પડી શકે છે.ભારતે ગાઝા પર આંતરરાષ્ટ્રીય શાંતિ બોર્ડની રચના અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
