મ્યુનિ.કોર્પોરેશનને ઓઢવ દુર્ઘટનાના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં રસ નથી
શમ્પ ખોલતા પહેલા ગેસની ચકાસણી કરવામાં આવી ન હતી : લેબર લાઈસન્સ પી.એફ. વીમો જેવા પ્રાથમિક નિયમોનું ઉલ્લંઘન |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 03062019: ઓઢવ વિસ્તારના અંબિકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનમાં ચાર શ્રમિકો જીવ ગુમાવ્યા છે જે દુર્ઘટના ને એક સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છે તેમ છતાં મ્યુનિ. વહીવટીતંત્ર ના વડા તરફથી કોઈ જ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નથી. પમ્પીંગ સ્ટેશનના કોન્ટ્રાકટર મહીમા ઈન્ડસ્ટ્રીઝ સામે પોલીસ ફરીયાદ કરવા તથા દુર્ઘટનાની ખાતાકીય તપાસ કરવા સામે મનપા કમીશ્નરે સ્પષ્ટ નનૈયો ભણ્યો છે.
તેથી એ બાબત વધુ એક વખત સ્પષ્ટ થાય છે કે મ્યુનિ. કોર્પોરેશનમાં “માનવીય જીંદગી”નું કોઈ જ મૂલ્ય નથી. ચોકાવનારી બાબત એ છે કે કોન્ટ્રાકટર મહીમા ઈન્ડ.દ્વારા તમામ નિયમોના ઉલ્લંઘન કરવામાં આવ્યા છે તેમ છતાં તેને બ્લેકલીસ્ટ કરવા માટે પણ વહીવટીતંત્ર ના વડા તૈયાર નથી. તેમજ કોન્ટ્રાકટર ને કારણ-દર્શક નોટીસ આપીને સંતોષ માનવામાં આવી રહયો છે ! કોન્ટ્રાકટર દ્વારા શમ્પ (ટાંકા) ખોલતા પહેલા ગેસ છે કે કેમ ?
તેની કોઈ જ ચકાસણી કરવામાં આવી ન હતી. તે બાબત પણ તપાસ નો વિષય બને છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈનો નાંખવામાં આવી છે. જેના પમ્પીંગ માટે રપ પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. તમામ પમ્પીંગ સ્ટેશનોની ઓપરેશન-મેઈન્ટેનસની જવાબદારી “મહિમા ઈન્ડ.” નામની કંપની ને સોપવામાં આવી છે. જે પેટે તેને વાર્ષિક રૂ.એક કરોડ ચુકવવામાં આવે છે.
મહીમા ઈન્ડ. દ્વારા એક વર્ષમાં માત્ર ૦૬ મહીના જ કામ કરવામાં આવે છે. સામાન્ય રીતે એપ્રિલ થી ઓકટોબર ના સમયગાળા દરમ્યાન સ્ટ્રોમ વોટર પમ્પીંગ સ્ટેશનના ઓપરેશન મેઈન્ટેનસ થાય છે. તેમ છતાં તમામ પમ્પીંગ સ્ટેશનમાં કંપની દ્વારા એક સીકયોરીટી કમ સુપરવાઈઝર રાખવા ફરજીયાત છે.
અંબિકા પમ્પીંગ સ્ટેશનમાં ગત સપ્તાહ દરમ્યાન મોડી રાત્રે પંપ સફાઈ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કંપની દ્વારા પંપ-મશીનની સર્વિસ માટે ચાર મજૂરો ને મોકલવામાં આવ્યા હતા. નિયમ મુજબ સદ્દર કામગીરી આઈ.ટી.આઈ.પાસ વ્યકિત જ કરી શકે છે. તેમ છતાં શ્રમિકો પાસે આ કામ કરવામાં આવ્યું હતું. શમ્પમાંથી પંપ બહાર લાવવામાં આવ્યો તે સમયે અચાનક ગેસ ગળતર થવાના કારણો એક શ્રમીક ટાંકામાં પડી ગયો હતો. જેને બચાવવા માટે અન્ય ત્રણ મજૂરો પણ અંદર કુદયા હતા. તથા તમામના કરૂણ મૃત્યુ થયા હતા. આ થીયરી પર પોલીસ વિભાગ અને મ્યુનિ.અધિકારીઓ “બચાવ” કામગીરી કરી રહયા છે. પોલીસવિભાગે સંસ્થાના સુપરવાઈઝરો કે મેનેજર સામે ફરીયાદ કરી છે.
પરંતુ માલિક સામે ફરીયાદ કરી નથી તે બાબત પણ ચર્ચાનો વિષય બને છે. ગેસ ગળતર થવાના કારણે મજૂરો બે-ભાન થઈને શમ્પમાં પડી ગયા હતા તે થીયરીને માની લેવામાં આવે તો પણ કેટલાક પ્રશ્નો ના જવાબ શોધવા જરૂરી છે !
મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ શમ્પ કે ટાંકા ખોલતા પહેલા તેમાં ગેસ છે કે કેમ ? તેની ચકાસણી કરવામાં આવે છે. જેના માટે સળગતી મીણબતી કે દીવાનો ઉપયોગ થાય છે. જા શમ્પમાં ગેસ હોય તો તેના બીજા ઢાંકણાને પણ ખોલવામાં આવે છે. તેથી ગેસ બહાર નીકળી જાય અને શુધ્ધ હવા શમ્પમાં જઈ શકે. પરંતુ આ કેસમાં ગેસની ચકાસણી કરવામાં આવી નથી. તેમજ પંપ-મશીનરીની સફાઈ કામગીરી દરમ્યાન કંપનીના સુપરવાઈઝર કે મનપાના અધિકારીઓ પણ ગેર હાજર હશે તેમ માનવામાં આવે છે.
જા કંપની કે મનપાનો સ્ટાફ હાજર હોય તો તેમને પણ સદ્દર દુર્ઘટના માટે જવાબદાર માની શકાય તેમ છે. જેનું મુખ્ય કારણ શમ્પમાં ગેસની ચકાસણી છે. તેવી જ રીતે સેફટીના સાધનો નો પણ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. મજૂરો રસ્સા બાંધીને કામ કરે તે અત્યંત જરૂરી છે. જા રસ્સા બાંધવામાં આવ્યા હોત તો શમ્પમાં પડી જનાર પ્રથમ શ્રમિક ને બહાર લાવવાનું સરળ બને અને ચાર શ્રમિકોની જીંદગી બચી શકી હોત. પરંતુ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન છતાં “સેફટી” માટે ના પગલા લેવામાં આવ્યા ન હતા. તેમ છતાં મ્યુનિ. કમીશ્નર કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી.
મ્યુનિ. કોર્પોરેશને વર્ક-ઓર્ડર આપતા પહેલા લેબર લાઈસન્સ પી.એફ.ઈન્સ્યોરન્સ વગેરેની ચકાસણી કરી ન હતી. મહીમા ઈન્ડ.દ્વારા આ પ્રાથમિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમ છતાં “દબંગ” અધિકારી કાર્યવાહી કરવા તૈયાર નથી. મ્યુનિ. કોર્પોરેશનના તમામ રપ સ્ટ્રોમ વોટર પમ્પીંગ સ્ટેશન તથા૭૦ ટકા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનના ઓપરેશન-મેઈન્ટેનસનો કોન્ટ્રાકટર એકમાત્ર મહીમા ઈન્ડ.ને આપવામાં આવ્યો છે.
સદ્દર કંપની સામે નજીકના ભૂતકાળમાં કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીએ કોન્ટ્રાકટ ના આપવા રીમાર્ક કરી હતી. સદ્દર સંસ્થા ના માલિક મહીમા ઈન્ડ. અને રામા ઈન્ડ.નામની બે કંપની ચલાવે છે. તથા બંને સંસ્થાના નામથી ટેન્ડર ભરે છે. તેથી અન્ય કંપનીઓની દાવેદારી નબળી પડે છે. સુત્રોનું માનીએ તો બે વર્ષ અગાઉ નિવૃત્ત થયેલ એડીશનલ ઈજનેર કક્ષાના એક અધિકારી પણ આ સંસ્થા સાથે સંકળાયેલા હતા.
જેના કારણે જ એસટીપી વિભાગના ૮૦ ટકા કોન્ટ્રાકટર મહીમા હે રામા ઈન્ડ. ના નામથી જ મંજૂર થતા હતા. મહીમા ઈન્ડી. ના માલિક ટેન્ડરની શરતોનું પાલન કરતા નથી. ટેન્ડર શરત મુજબ સ્ટાફ પણ રાખવામાં આવતો નથી. તેમ છતાં અધિકારીઓ આંખ આડા કાન કરતા આવ્યા છે. ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ બીઓડી તથા એસએસની ચકાસણી થતી નથી. તથા ઈન-ફલો વધારે હોય ત્યારે ટ્રીટમેન્ટ કર્યા વિના જ પાણી બાયપાસ કરવામાં આવે છે.
નદીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહયા હોવાની ફરીયાદનું મુળ મહીમા ઈન્ડ.અને તેની સાથે સંકળાયેલ રાજકીય-અધિકારી વર્ગ છે તે બાબત નિઃસંદેહ છે. અંબિકા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનમાં દસ વર્ષ અગાઉ પણ આ પ્રકારની દુર્ઘટના બની હતી તેનાથી સબક શીખવાના બદલે મ્યુનિ. અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટર ને છાવરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે.
ચાર નિર્દોષ જીંદગીના મૃત્યુ બાદ પણ કોન્ટ્રાકટર ને “કારણદર્શક” નોટીસ સાદી ટપાલ મારફતે મોકલી આપવામાં આવી છે. તેમજ મહીમા ઈન્ડ. ના માલિક ફોન રીસીવ કરતા નથી. તથા ઓફીસ બંધ છે. માળાનું રટણ અધિકારીઓ કરી રહયા છે. જયારે મ્યુનિ. હોદ્દેદારો ને સમગ્ર દુર્ઘટના સાથે કોઈ જ નિસ્બત ન હોય તેવો માહોલ જાવા મળી રહયો છે.